Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

અમેરિકામાં કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં કમાને ૫૦૦ ડોલરની ભેટ મળીવાયરલ

કમો હવે વિદેશમાં પણ ફેમસ બની ગયો છેઃ કમો હાલ સોશ્‍યલ મીડિયામાં સૌથી વધુ પ્રખ્‍યાત બન્‍યો છે

નવી દિલ્‍હી,તા. ૧૯ : હાલ સમગ્ર રાજયમાં કોઇ પણ ડાયરો હોય તેમાં કમો ન હોય તો ડાયરામાં રોનક ન આવે એવા કોઠારીયાના કમો હવે વિદેશમાં પણ ફેમસ બની ગયો છે. કમો હવે અમેરિકામાં પણ એટલો પ્રખ્‍યાત થઇ ગયો છે કે તેને અમેરિકાથી પણ ભેટ મળી રહી છે. ખરેખરમાં અમેરિકાની ધરતી પર કમાને ૫૦૦ ડોલરની ભેટની જાહેરાત કરાઈ છે. કમાની હાજરી ન હોવા છતાં અમેરિકામાં વસેલા ગુજરાતી હરિભાઈએ કમાને યાદ કરીને ૫૦૦ ડોલરની ભેટ આપી છે.

અમેરિકામાં કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં કોઠારીયાના કમાને યાદ કરીને જાહેરમાં ઇનામની જાહેરાત કરાઈ હતી. અમેરિકામાં વસેલા ગુજરાતી હરિભાઈએ કમાને યાદ કરીને ૫૦૦ ડોલરની ભેટ આપી છે.

તમને જણાવી દઇએ કે, નાનપણથી માનસિક દિવ્‍યાંગ એવા કમાને એક ડાયરામાં પ્રખ્‍યાત લોકગાયક કિર્તિદાન ગઢવીએ ડાન્‍સ કરતા જોયો હતો અને કમાના વખાણ કરતા કમો હાલ સોશિયલ મિડીયામાં સૌથી વધુ પ્રખ્‍યાત બન્‍યો છે. કમાની લોકચાહના હાલ આસમાનને આંબી રહી છે.

મહત્ત્વનું છે કે કોઠારિયામાં એક કાર્યક્રમ દરમિયાન કિર્તીદાન ગઢવીના લોકગીત પર કમાએ પોતાના આગવા અંદાજમાં ઠુમકા લગાવ્‍યા હતા. અને ત્‍યારથી સોશિયલ મિડીયામાં કોઠારિયોના કમાનો વીડિયો ખુબ વાયરલ થયો હતો અને એટલી જ લોકચાહના પણ મળી હતી.

કિર્તિદાન સાથેનો વીડિયો સૌપ્રથમવાર સોશિયલ મિડીયામાં ધુમ વાયરલ થયો અને કમાની લોકપ્રિયતા દિવસે ન વધે એટલી રાત્રીના વધવા લાગી છે. આજે કમો એટલે કે કમલેશભાઇ દલવાડી સોશિયલ મિડીયાનો અને ડાયરાનો સ્‍ટાર બની ગયો છે.

કમલેશ ઉર્ફે કમો મુળ કોઠારીયા ગામનો રહેવાસી છે. તેના પિતાનું નામ નરોત્તમભાઇ છે. નરોત્તમભાઇને ત્રણ દિકરા પૈકી કમો સૌથી નાનો દિકરો છે. કમો જન્‍મથી જ માનસિક દિવ્‍યાંગ હોવા છતાં તેના માતા પિતાએ તેનો ઉછેરમાં સહેજ પણ કચાશ રાખી ન હતી પરંતુ કુદરતને કંઇ અલગ જ મંજૂર હતુ. જેથી કમો તેની મસ્‍તીમાં જ ફરતો હતો. કમો નાનપણથી જ ખુબ ધાર્મિક અને સેવાભાવી સ્‍વભાવ ધરાવે છે.

(11:42 am IST)