Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ચાલુ નાણાંકિય વર્ષમાં એડવાન્સ ટેકસની વસૂલી બજેટ અંદાજ કરતા નીચી રહેવા સ્પષ્ટ એંધાણ

વર્ષના પ્રથમ બે ત્રિમાસિકના એડવાન્સ ટેકસ કલેકશનના ડેટાના આધારે અનુમાન

નવી દિલ્હી : વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એડવાન્સ ટેકસની વસૂલી ૨૫.૫૦ ટકા ઘટી રૂપિયા ૧,૫૯,૦૫૭ કરોડ રહી હતી. વર્તમાન નાણાં વર્ષના જુન ત્રિમાસિક ગાળામાં એડવાન્સ ટેકસની વસૂલી ૭૬ ટકા ઘટી માત્ર રૂપિયા ૧૧૭૧૪ કરોડ રહી હતી, એમ આવક વેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓ જુન ત્રિમાસિકમાં લગભગ અટકી પડી હતી. ગયા વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટે એડવાન્સ ટેકસની વસૂલીનો આંક રૂપિયા ૨,૧૨,૮૮૯ કરોડ રહ્યો હતો. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકના એડવાન્સ ટેકસ કલેકશનના ડેટા આ વર્ષે વેરા વસૂલી બજેટ અંદાજ કરતા ઘણી નીચી રહેવાનું સૂચવે છે.

એડવાન્સ ટેકસની રકમમાં કોર્પોરેટ એડવાન્સ ટેકસમાં ૨૭.૩૦ ટકા ઘટાડો જોવાયો છે જ્યારે પરસનલ ઈન્કમ ટેકસનું કલેકશનમાં ૧૫ ટકા ઘટાડો જોવાયો છે. ટેકસ ડિડકટેડ એટ સોર્સ (ટીડીએસ) મારફતની વસૂલી ૫.૬૦ ટકા ઘટી રૂપિયા ૧,૩૮,૬૦૫.૨૦ કરોડ રહી હતી.

ગયા વર્ષના જુન ત્રિમાસિક ગાળામાં કોર્પોરેટ એડવાન્સ ટેકસની વસૂલીનો આંક રૂપિયા ૩૯૪૦૫ કરોડ રહ્યો હતો જે વર્તમાન વર્ષના જુન ત્રિમાસિકમાં ૭૯ ટકા ઘટી રૂપિયા ૮૨૮૬ કરોડ રહી હતી. બીજા ત્રિમાસિક ગાળાનો એડવાન્સ ટેકસ ભરવા માટે ૧૫ સપ્ટેમ્બર અંતિમ તારીખ રહે છે.

વર્તમાન નાણાં વર્ષના બજેટ અંદાજ પ્રમાણે ગ્રોસ ટેકસ કલેકશનનો આંક રૂપિયા ૨૪.૨૩ લાખ કરોડ મુકાયો છે. જેમાંથી રૂપિયા ૧૩.૧૯ લાખ કરોડ સીધા વેરાનો સમાવેશ થાય છે.

(1:52 pm IST)