Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

શિવાજીના વંશજ સંભાજી રાજે અપક્ષ તરીકે ચૂંટણી લડશે

મહારાષ્ટ્રમાં ૬ રાજ્યસભા સીટો પર ૧૦ જૂને ચૂંટણી : સંભાજી રાજે મરાઠા આરક્ષણ માર્ચમાં મુખ્ય ચહેરો હતા

મુંબઈ, તા.૧૯ : મહારાષ્ટ્રમાં ૬ રાજ્યસભા સીટો પર ૧૦ જૂને ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠકોનું ગણિત જોઈએ તો ભાજપ સરળતાથી ૨ બેઠકો પર પોતાના ઉમેદવારને ઉપલા ગૃહમાં મોકલી શકે છે. જ્યારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એક એક સીટ પર સરળતાથી પોતાના ઉમેદવારને રાજ્યસભા મોકલી શકે છે. સાથે જ મહાવિકાસ અઘાડી અને ભાજપમાં કેટલાક સભ્યો વધારાના હોવાથી બંને છઠ્ઠી બેઠક જીતવા પ્રયત્ન કરી રહ્યા છે અને ઉમેદવારો ઉતારવા માંગે છે.પરંતુ હાલના રાજ્યસભા સાંસદ સંભાજી રાજે છત્રપતિને આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. જોકે, હાલમાં તેઓ રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત રાજ્યસભાના સદસ્ય છે. સંભાજી રાજેએ બધી પાર્ટીઓને તેમને સમર્થન આપવાની અપીલ કરી છે. સંભાજી રાજે આ અગાઉ મરાઠા આરક્ષણ માર્ચમાં મુખ્ય ચહેરો હતા અને હવે તેમના રાજ્યસભા ચૂંટણીમાં ઉતરવાના એલાને મહારાષ્ટ્રના બધા રાજકીય દળોને ચિંતામાં મૂકી દીધા છે.

એનસીપી પ્રમુખ શરદ પવારે હાલમાં જ સંભાજી રાજે છત્રપતિને સમર્થન કરવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, એનસીપી પાસે કેટલાક વધારે સદસ્યો છે અને તેઓ સંભાજી રાજેનું સમર્થન કરી શકે છે. બીજી તરફ સંભાજીને રાજ્યસભા મોકલનાર બીજેપીએ હજુ એ નક્કી નથી કર્યું કે, તેઓ સંભાજીનું સમર્થન કરશે કે નહીં. બીજેપી હજુ વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે. ભાજપનું સમર્થન કરી રહેલા એક અપક્ષ ધારાસભ્ય મહેશ બાલ્દી અને નિતિન ગડકરીના એક નજીકના વ્યક્તિએ સંભાજી રાજેના નામાંકન ફોર્મ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે પોતાના નામાંકન માટે વધુ ૯ હસ્તાક્ષરની જરૃર પડશે.

શિવસેના પણ છઠ્ઠી સીટ પર ચૂંટણી લડવાનું મન બનાવી રહી છે. મંગળવારે આ મુદ્દા પર મહાવિકાસ અઘાડીના  સીએમ ઉદ્વવ ઠાકરેના આવાસ પર મીટિંગ પણ થઈ હતી. આ દરમિયાન શિવસેનાએ છઠ્ઠી સીટ પર ઉમેદવાર ઉતારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મીટિંગ બાદ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને ઉદ્ધવના નજીકના ગણાતા અનિલ પારબે કહ્યું કે, શિવસેના છઠ્ઠી સીટ પર ઉમેદવાર ઉતારવા માંગે છે. અમે જાણીએ છીએ કે, તેને કેવી રીતે જીતવું. બીજી તરફ શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે કહ્યું છે કે, જો સંભાજી રાજે શિવસેનામાં જોડાશે તો શિવસેના સંભાજીનું સમર્થન કરશે.

(7:56 pm IST)