Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

હોસ્પિટલમાં જતા ઓક્સિજનને અટકાવી નેતાઓએ ફોટા પડાવ્યા

કોરોનાના દર્દીઓ ઓક્સિજન વિના તડપી રહ્યા છે : ગુજરાતથી ઇન્દોર જતી ટ્રક એક જ વાર જમવા રોકી પણ નેતાઓના કાર્યક્રમને પરિણામે ઓક્સિજન મોડો પહોંચ્યો

ઈન્દૌર, તા. ૧૯ : કોરોનાના દર્દીઓ ઓક્સિજન વિના તડપી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશમાં ૩૦ ટન ઓક્સિજન લઈને ગુજરાતથી એક ટ્રક ઈન્દૌર પહોંચ્યો હતો. જોકે, એક તરફ હોસ્પિટલમાં ઓક્સિજનની રાહ જોવાઈ રહી હતી, ત્યારે બીજી તરફ નેતાઓએ તેના સિલિન્ડર હાથમાં પકડીને ફોટા પડાવવાનો કાર્યક્રમ ગોઠવી દેતા દર્દીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી.

નવાઈની વાત છે કે, ઓક્સિજન જલ્દીથી જલ્દી પહોંચી જાય તે માટે જામનગરથી ટ્રક લઈને નીકળેલા ડ્રાઈવરે ૭૦૦ કિલોમીટરની ટ્રીપમાં માંડ એક વાર જમવા માટે ટ્રક રોકી હતી. આંખનું મટકું માર્યા વિના સાડા દસ કલાકમાં ડ્રાઈવરે ઓક્સિજનના સિલિન્ડરને જામનગરથી ઈન્દૌર પહોંચાડી દીધા હતા, પરંતુ નેતાઓના કાર્યક્રમને કારણે તેને દર્દીઓ સુધી પહોંચવામાં મોડું થયું હતું.

જામનગરથી ઈન્દૌર જઈ રહેલા ઓક્સિજન ટેક્નરને પહેલા તો ભાજપના કાર્યકરોએ ઈન્દૌરમાં ચંદનનગર સ્કવેર પર અટકાવ્યું હતું. કાર્યકરોની આગેવાની સ્થાનિક પક્ષપ્રમુખ ગૌરવ રણદીવે કરી રહ્યા હતા. ત્યાં થોડી વારમાં મંત્રી તુલસીરામ સિલાવત આવી પહોંચ્યા હતા. મીડિયાકર્મીઓને પણ તેની આગોતરી માહિતી આપી દેવાઈ હતી. ટેક્નર પહોંચતા નેતાઓએ તેની સાથે ફોટો પડાવ્યા હતા, અને ભાષણ પણ આપ્યું હતું. જોકે, અંગે સ્થાનિક તંત્રને જાણ થતાં કલેક્ટર સહિતનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો અને ટેક્નરને રવાના કરાવ્યું હતું.આટલું ઓછું હોય તેમ ઓક્સિજન ટેક્નર એમઆર-૧૦ સ્થિત ઓક્સિજન પ્લાન્ટ પર પહોંચ્યું ત્યારે ભાજપના સાંસદ શંકર લાલવાણી અને ધારાસભ્ય રમેશ મેંડોલા તેમજ આકાશ વિજયવર્ગીય ત્યાં તેનું સ્વાગત કરવા આવી પહોંચ્યા હતા. તેને ફુગ્ગાથી શણગારાયું હતું અને પૂજાવિધિ કરવા માટે એક બ્રાહ્મણને પણ બોલાવી લેવાયો હતો. ટેક્નરમાં રહેલો ઓક્સિજન ત્યારબાદ પ્લાન્ટમાં શિફ્ટ કરાયો હતો.

ઉત્સાહી નેતાઓએ ટેક્નરના ડ્રાઈવરને પણ ફુલહાર કર્યા હતા. અંગે ડ્રાઈવરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે આવું કંઈ થશે તેનો તેને કોઈ ખ્યાલ નહોતો. નેતાઓના કાર્યક્રમને લીધે ટેક્નર બે કલાક અટવાયેલું રહ્યું હતું, અને ઓક્સિજન ટેંકમાં તમામ પુરવઠો શિફ્ટ કરતાં બીજો એક કલાક થયો હતો.

મામલે કોંગ્રેસના પ્રવક્તા કેકે મિશ્રાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ માત્ર એક ઓક્સિજન ટેક્નર આવવા પર ઉજવણી કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ શાહદોલમાં ૧૦ લોકોના ઓક્સિજનની કમીને કારણે મોત થયા છે. બીજી તરફ, ભાજપના નેતાઓનો દાવો છે કે, કાર્યક્રમ માટે ટેક્નરને માત્ર એક જગ્યાએ પાંચ મિનિટ માટે રોકવામાં આવ્યું હતું અને તેના કારણે ઓક્સિજનનો સપ્લાય હોસ્પિટલ સુધી પહોંચવામાં પણ કોઈ મોડું નથી થયું.

(8:02 pm IST)