Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ફુટપાથ પર નિંદ્રાધીન ૧૫ શ્રમિકોને કચડી માર્યા

સુરતની મોડી રાતની ઘટના : ડમ્‍પર બેલગામ બની ત્રાટક્‍યું : હાઇવે મરણચીસોથી ગાજી ઉઠયો : સુરતના કીમ - માંડવી રોડ પરની ઘટના : કુલ ૧૮ નિંદ્રાધીન મજુરોને કચડયા : તમામ મજુરો બાંસવાડાના છે : ૪ ગંભીર રીતે ઘાયલ

સુરત તા. ૧૯ : ગઈ કાલે મોડી રાતે સુરત જિલ્લાના કોસંબામાં મોટી કરૂણાંતિકા બની ગઈ. કિમ-માંડવી રોડ પર કિમ ચાર રસ્‍તા ખાતે એક ફૂટપાથ પર સૂતેલા ૧૫ શ્રમિકો પર એક ટ્રક ફરી વળતાં તેમના મરણ નિપજયા છે. આ મજૂરો રાજસ્‍થાનના હતા અને બાંસવાડા જિલ્લાના કુશલગઢ ગામના રહેવાસીઓ હતા.

બનાવની વિગત એવી છે કે, એક ટ્રેક્‍ટર અને ટ્રક જોરથી સામસામી અથડાઈ પડી હતી. એને કારણે ટ્રકના ડ્રાઈવરે સ્‍ટીયરિંગ પરનો અંકુશ ગુમાવી દેતાં ટ્રક ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ત્‍યાં સૂતેલા મજૂરોને કચડી નાખ્‍યા હતા. ફૂટપાથ પર ૧૮ શ્રમિકો સૂતા હતા. ઈજાગ્રસ્‍તોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. મૃતકોમાં ૮ પુરુષ, ૫ મહિલા, બે બાળકોનો સમાવેશ થાય છે. ૬-વર્ષની એક બાળકીનો ચમત્‍કારિક રીતે બચાવ થયો છે

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના કીમ માંડવી રોડ પર મૂળ રાજસ્‍થાનના શ્રમજીવીઓ આજીવિકા અર્થે સુરતમાં રહેતા હતા. તેઓ પોત પોતાના પરિવાર સાથે ફૂટપાથ પર સૂતેલા હતા. ફૂટપાથ પર કુલ ૧૮ લોકો સુતા હતા, જેમના પર એક ટ્રક ચડી ગયો હતો અને તેણે આ તમામને કચડી કાઢ્‍યા હતા. જેમાંથી ૧૮ પૈકી કુલ ૧૪ શ્રમજીવીઓના કમકમાટી ભર્યા મોત નિપજયા છે. અન્‍ય ચાર લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયેલા છે.

આ બનાવ બન્‍યો ત્‍યારે આસપાસના લોકો દ્વારા સ્‍થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. જેમાંથી ૧૪ નું મોત નીપજયું હતું. તેમજ અન્‍ય ચારની હાલત ગંભીર હોવાનું હોસ્‍પિટલના પાસેથી જાણવા મળ્‍યું છે.પોલીસે આ શ્રમજીવીઓ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં આ તમામ એક જ વસાહતના હોવાનું તથા રાજસ્‍થાનના બાંસવાડાના વતની હોવાનું સામે આવ્‍યું છે.અકસ્‍માત થવા પાછળનું મૂળ કારણ તેમજ ટ્રક ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ઘટના વિશે મોડીરાત્રે ઘટના સ્‍થળે જ જાણવા મળ્‍યું હતું કે કીમથી માંડવી તરફ જતાં રસ્‍તામાં પાલોદ ગામ આવ્‍યું છે. આ ગામની સીમમાં રસ્‍તાના કિનારે શ્રમિકો પરિવાર સાથે ફૂટપાથ પર રહે છે. મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લાં પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે ૧૨ વાગ્‍યાની આસપાસ કીમથી માંડવી તરફ જ જઈ રહેલા GJ-X-0901 નંબરના ડમ્‍પર ચાલકે કીમ ચાર રસ્‍તા તરફ જતાં શેરડી ભરેલા ટ્રેક્‍ટરને ટક્કર મારી હતી.વધુમાં બનાવ અંગે પોલીસને જાણ કરતાં DySp સી.એન.જાડેજા, બારડોલી DySp રૂપલ સોલંકી સહિતના ઉચ્‍ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્‍થળે ઘસી ગયા હતા. તેમજ તાત્‍કાલિક ડેડબોડીને પોસ્‍ટમોર્ટમ અર્થે હોસ્‍પિટલમાં ખસેડી હતી. બીજી તરફ ડમ્‍પરચાલક અને ક્‍લિનરને તાત્‍કાલિક ઝડપી લેવામાં આવ્‍યા હતા. ડમ્‍પરચાલક પકડાયો ત્‍યારે ચિક્કાર પીધેલી હાલતમાં હોલાનું પોલીસે જણાવ્‍યું હતું.

(10:39 am IST)
  • ' ખેતી કા ખૂન ' : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુકલેટ લોન્ચ કરી : નવા કૃષિ કાનૂનથી સમગ્ર દેશની ખેતી ઉપર ચારથી પાંચ કોર્પોરેટ ક્ષેત્રોનો કબજો આવી જશે : પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું access_time 8:58 pm IST

  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦૬૪ દર્દી આવ્યાઃ ૧૩૭ના મોતઃ કુલ કેસ થયા ૧ કરોડ ઉપરઃ ૧,૫૨,૫૫૬ મોત : નવી દિલ્હીઃ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૦૦૬૪ નવા દર્દી સામે આવ્યા છે અને એ દરમ્યાન ૧૩૭ના મોત થયા છેઃ દેશમાં કુલ કેસ ૧,૦૫,૮૧,૮૩૭ થયા છે, જેમાં ૨૦૦૫૨૮ એકટીવ કેસ છે જ્યારે ૧ કરોડ ૦૨ લાખથી વધુ રીકવર થયા છેઃ કુલ મૃત્યુ ૧૫૨૫૫૬ના થયા છેઃ ગઈકાલે ૭,૦૯,૭૯૧ ટેસ્ટ કરાયા હતાઃ આ સાથે કુલ ટેસ્ટીંગ ૧૮,૭૮,૦૨,૮૨૭ થયા છે access_time 11:35 am IST

  • રાજકોટની કોટેચા હાઈસ્કુલના પ્રિન્સીપાલ સહિત ૩ કર્મચારીઓ કોરોના સંક્રમિત : તમામ આઈસોલેટેડ : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ શરૂ થતાં જ કોરોનાનો ફફડાટ : શહેર - જીલ્લામાં મળી હાઈસ્કુલોમાં કુલ ૬ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં access_time 6:25 pm IST