Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રેલવે દ્વારા મુસાફરો પાસેથી યુઝર ફી વસૂલવાનો નિર્ણય

ભારતીય રેલવે ટિકિટ હવે મોંઘી થશે : રેલવે આ નાણાં સ્ટેશનોના રી-ડેવલપમેન્ટ અને ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાને આધુનિક બનાવવા માટે ખર્ચ કરશે

નવી દિલ્હી,તા.૧૮ : જો તમે ભીડવાળાં રેલવે સ્ટેશનો પરથી કોઈ ટ્રેન પકડશો તો તમારી યાત્રા થોડી મોંઘી થઈ શકે છે. રેલવે દ્વારા ભીડવાળાં સ્ટેશનો પર મુસાફરો પાસેથી યુઝર ફી વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુઝર ચાર્જ, એર ટિકિટની જેમ જ રેલવે ટિકિટના ચાર્જમાં જ સમાવિષ્ટ કરવામાં આવશે. જો કે, આ ખૂબ ઓછી રકમ હશે. રેલવે આ નાણાં સ્ટેશનોના રી-ડેવલપમેન્ટ અને ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને આધુનિક બનાવવા માટે ખર્ચ કરશે. રેલ્વે બોર્ડના સીઈઓ અને અધ્યક્ષ વી.કે. યાદવે કહ્યું કે, અમે યુઝર ચાર્જ તરીકે નાની રકમ વસૂલ કરીશું. અમે એવા સ્ટેશનો પર યુઝર ચાર્જ વસૂલવા માટે એક નોટિફિકેશન જારી કરીશું જેને રી-ડેવલપ કરવામાં આવી રહ્યું છે અથવા કરી દીધું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી સ્ટેશનોના રી-ડેવલપમેન્ટનું કામ ચાલુ રહેશે ત્યાં સુધી યુઝર ચાર્જ તરીકે વસૂલવામાં આવેલી રકમનો ઉપયોગ સ્ટેશનો પર મુસાફરોને સારી સુવિધા આપવા માટે કરવામાં આવશે.

            યાદવે કહ્યું કે સ્ટેશનોના રી-ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થયા બાદ ટિકિટ છૂટથી આ રકમ નુકસાનથી સરભર કરવામાં આવશે. તેમણે કહ્યું કે યુઝર ચાર્જ એટલો ઓછો હશે કે મુસાફરોને મુશ્કેલી ન પડે. યાદવે કહ્યું કે આ જરૂરી છે કારણ કે ભારતીય રેલવે તેના મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધા પૂરી પાડવા માટે આગ્રહ કરી રહી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દરેક રેલ્વે સ્ટેશન પર યુઝર ફી લેવામાં આવશે, યાદવે કહ્યું કે ૭ હજાર રેલ્વે સ્ટેશનો છે જેમાં ફક્ત ૧૦થી ૧૫ ટકા સ્ટેશનો પર જ ચાર્જ લેવામાં આવશે. આ ૭૦૦ થી ૭૫૦ રેલ્વે સ્ટેશનો એવા હશે જ્યાં આગામી પાંચ વર્ષમાં ભીડ વધવાની સંભાવના છે. અગાઉ રેલવે અધિકારીઓએ ઘણી વખત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, વિકસિત સ્ટેશનો પર જ યુઝર ચાર્જ વસૂલ કરવામાં આવશે. રેલ્વે મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, સ્ટેશનો પર જેટલી સુવિધાઓ વધશે તેની સામે યુઝર ફી કઈ નહીં હોય. યુઝર ચાર્જ એકત્રિત કરવાની પ્રક્રિયા ધીમે ધીમે શરૂ થશે અને સ્ટેપ બાય સ્ટેપ ૧૦થી ૧૫ ટકા સ્ટેશનો પર લાગુ થશે. રેલવે મંત્રી પિયુષ ગોયલે પણ લોકસભામાં લેખિત જવાબમાં તેની પુષ્ટિ કરી છે.

(7:17 pm IST)