Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કૃષિ બિલ મુદ્દે પંજાબના ખેડૂતોએ આપ્યું બંધનું એલાન

૨૪ થી ૨૬ સપ્ટે. દરમિયાન રેલ ચક્કાજામની ચીમકી : કૃષિ કાનૂનનો ભારે વિરોધ : પંજાબમાં ખેડૂતે ઝેર ગટગટાવ્યું : પૂર્વ મુખ્યમંત્રીના ઘર બહાર છ દિ'થી ખેડૂતોના ધરણા

નવી દિલ્હી તા. ૧૮ : ખેડૂતો સાથે જોડાયેલા ૩ વટહુકમોને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ બિલના વિરોધમાં કેબિનેટ મંત્રિમંડળમાંથી હરસિમરત કૌરે રાજીનામું આપ્યું છે. જેને રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકારી લેવામાં પણ આવ્યું છે. ત્યારે પંજાબના ખેડૂતોએ ૨૫ સપ્ટેમ્બરે બંધનું એલાન કર્યુ છે.

કૃષિ વિધેયક મુદ્દે પંજાબના ખેડૂતો લાલધૂમ થયા છે. પંજાબના ખેડૂતોએ બંધનું એલાન આપ્યુ છે. ખેડૂત સંગઠનો દ્વારા ૨૫ સપ્ટેમ્બરના બંધ પાડવાનું એલાન કરવામાં આવ્યું છે. ૨૪થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન રેલ ચક્કાજામ પણ કરવામાં આવશે.

બીજી તરફ ફતેહગઢ સાહેબથી કોંગ્રેસના ધારાસભ્ય કુલજીત નાગરાએ કૃષિ વિધેયકના વિરોધમાં પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમણે આ જાણકારી ટ્વીટ કરીને આપી છે.

ઉલ્લેખનીય છે કે આ જ વિધેયકનો વિરોધ કરતા મંત્રી હરસિમરત કૌરે રાજીનામુ આપી દીધુ છે. પીએમ મોદી સાથે સલાહ બાદ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેબિનેટ મંત્રિમંડળમાંથી હરસિમરત કૌરનું રાજીનામું તાત્કાલીક અસરથી સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી હરસિમરત કૌરનું રાજીનામુ સંવિધાનના અનુચ્છેદ ૭૫ના ભાગ(૨)હેઠળ સ્વીકાર કર્યું છે.

હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂત કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ૩ વટહૂકમના વિરોધમાં આ પ્રદર્શન થઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા સોમવારના રોજ ૩ બિલ કિસાન ઉપજ વેપાર અને વાણિજય (સંવર્ધન અને સુવિધા) અધ્યાદેશ, આવશ્યક વસ્તુ (સંશોધન) અધ્યાદેશ, મૂલ્ય આશ્વાસન તેમજ કૃષિ સેવા પર ખેડૂત (સશકિતકરણ અને સંરક્ષણ) સમજુતિ અધ્યાદેશ ૨૦૨૦ પાસ કર્યાં છે. આ ત્રણેય વટહૂકમ આવ્યા બાદ સતત ખેડૂતોનો વિરોધ કરી રહ્યાં છે.

(2:29 pm IST)