Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રૂપાલાએ 'હથિયાર' હેઠા મૂકવા મંજુરી માંગ્યાનો ધડાકો

ક્ષત્રિય આંદોલન ઉગ્ર બને અને ભાજપને નુકશાન થાય તેવો માહોલ ઉભો થતાં રૂપાલાએ હાઇકમાન્ડ પાસે ઉમેદવારી પત્ર પાછુ ખેંચવા મંજુરી માંગી હોવાનો 'અમદાવાદ મિરર'નો ધડાકો : કેન્દ્રિય ગૃહમંત્રી અમદાવાદ આવતા બેઠકોનો દોર : તેમને રજેરજની વિગતોથી વાકેફ કરાયા : આજે કેન્દ્રિય સંસદીય બોર્ડની બેઠકમાં રૂપાલા અંગે નિર્ણય લેવાય તેવી શકયતા

અમદાવાદ, તા.૧૮: પોતાની સામે થઇ રહેલા ક્ષત્રિયોના વિરોધને કારણે ભાજપને નુકશાન ન થાય અને વિપક્ષ તેનો રાજકીય ફાયદો ન ઉઠાવે તે હેતુસર કેન્દ્રિયમંત્રી અને રાજકોટ રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની મંજુરી હાઇકમાન્ડ સમક્ષ માંગી હોવાનું અમદાવાદ મિરર અને નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે. અહેવાલ જણાવે છે કે, ક્ષત્રિયોના આંદોલનને ભાજપના મુદ્દાઓને આંચકી લીધા છે મોદી સરકારના ૧૦ વર્ષની કામગીરીની સિધ્ધીઓ જેમ કે કલમ ૩૭૦, રામમંદિર વગેરે મુદ્દાઓ સાઇડલાઇન થઇ ગયા છે અને માત્ર ક્ષત્રિયોના મુદ્દાની જ સર્વત્ર ચર્ચા છે આ સંજોગોમાં જો હું મારૂ ઉમેદવારી પત્ર પાછુ ન ખેંચુ તો આંદોલન હિંસક બની શકે છે અને પક્ષના દેખાવ ઉપર માઠી અસર પડી શકે છે તેવું રૂપાલાએ પ્રદેશ ભાજપની નેતાગીરીને જણાવ્યુ હોવાનું મનાય છે જો કે રૂપાલાની નજીકના વર્તુળોએ આ બધી બાબતોને નકારી કાઢી છે.

સૂત્રો જણાવે છે કે જો રૂપાલા ઉમેદવારી પાછી ખેંચી લ્યે તો ડમી તરીકે ઉમેદવારી નોંધાવનાર મોહન કુંડારીયાને લોટરી લાગી જાય તેમ છે.

દરમ્યાન કેન્દ્રિય ગૃહમંત્રી શાહે ગઇકાલે એવો નિર્દેશ આપ્યો હતો કે રૂપાલાની ઉમેદવારીનો મામલો આજે મળનાર કેન્દ્રિય સંસદીય  બોર્ડની બેઠકમાં કોઇ અંતિમ નિર્ણય લેવાશે.

આ સંદર્ભમાં ભાજપને ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોમાં પણ નકારાત્મક -સિદ્ધિ મળી રહી છે ત્યારે રૂપાલાએ ભાજપના હાઈકમાન્ડને ઉમેદવારી પરત ખેંચવાની અનુમતિ આપવા વિનંતી કરી છે. આ સૂત્રોના જણાવ્યા અનુસાર, જો રૂપાલા ઉમેદવારી પરત ખેંચે તો દેખીતી રીતે જ તેમના ડમી તરીકે ફોર્મ ભરનાર અને રાજકોટ ખાતેથી છેલ્લી બે ટર્મમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાનાર કડવા પાટીદાર જ્ઞાતિના મોહનભાઈ કુંડારિયાને ચૂંટણી લડવાની તક મળશે અને ગુજરાતમાંથી ક્ષત્રિય આંદોલનનો અંત આવશે. કારણ કે, હવે આ આંદોલન રાજકીય સ્વરૂપ લઈ રહ્યું છે. જેમાંથી ક્ષત્રિય સમાજના કેટલાંક આગેવાનો પણ ખુશ જણાતા નથી. તો સાથોસાથ ભાજપના અન્ય બેઠકોના ઉમેદવારો પણ ચિંતિત જણાય છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવારો સામે થતા દેખાવો અને કાળા વાવટાંના પ્રદર્શનથી માહોલ બગડી રહ્યો છે તે બાબત હવે સર્વવિદિત બની ચૂકી છે.

દરમિયાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બુધવારે અમદાવાદ આવ્યા હતા અને તેમના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની ચર્ચામાં ગુજરાતની -વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે વિગતો ચર્ચા કરાઇ હતી. ક્ષત્રિય સમાજમાં વર્તાતી નારાજગી અને આક્રોશ પક્ષવિરોધી સ્વરૂપ ન પકડે એ અંગેની સાવચેતી હોવી જોઈએ એવી પ્રદેશ ભાજપની લાગણી વ્યકત કરાઈ હતી. જોકે, પરશોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી, સ્ટાર પ્રચારક અને પક્ષના વરિષ્ઠ હોવાના કારણે આ મામલો હવે હાઈકમાન્ડના લેવલે ચર્ચાશે એવો સૂર વ્યકત થયો હતો. આ દરમિયાનમાં ખુદ રૂપાલાએ જ આપમેળે ઉમેદવારી પરત ખેંચવા અનુમતિ માગી હોવાનું જાણવા મળે છે. જેથી ગુજરાતના મોરચે ઘીનાં ઠામમાં ઘી પડે અને ભાજપ તમામ બેઠકો જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરી શકે.

 

 

રૂપાલા ઉમેદવારી પાછી ખેંચવાના નથી : તેમની નજીકના વર્તુળનો દાવો : IBની પણ ના

અમદાવાદ, તા.૧૮: ક્ષત્રિયોના આંદોલનને કારણે પક્ષ વિરોધી માહોલ ઉભો થવા લાગતા પક્ષને નુકશાન ન થાય તે માટે રૂપાલા એ ઉમેદવારી પાછી ખેંચવા દિલ્હી પાસે મંજુરી માંગી હોવાના અમદાવાદ સ્થિત અંગ્રેજી અખબાર 'મિરર'ના અહેવાલોને રૂપાલાની નજીકના વર્તુળો સોઇ ઝાટકીને નકારી રહ્યા છે. તેમની નજીકના વર્તુળોનો દાવો છે કે, રૂપાલા ઉમેદવારી પાછી ખેંચવાના નથી અને અમને હજુ આશા છે કે કોઇ સમાધાન નીકળી આવશે અને ઘીના ઠામમાં ઘી પડી જશે. ક્ષત્રિયોનો ટેકો પણ તેમને મળશે તેવો દાવો પણ કર્યો હતો.

દરમ્યાન ગુજરાતની રજેરજની રાજકીય સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખતા 'ઇન્ટેલીજન્સ બ્યુરો'ના ટોચના વર્તુળોએ પણ દ્રઢપણે જણાવ્યુ હતુ કે રૂપાલા મેદાનમાં છે અને રહેવાના છે તેઓ ઉમેદવારી પાછી નથી ખેંચવાના

 

(10:14 am IST)