Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી:શ્રીનગર, અનંતનાગ, કુલગામ અને શોપિયાંમાં સર્ચ ઓપરેશન શરૂ

તપાસ એજન્સીએ સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની મદદથી ઘણાં સ્થળોએ દરોડા પાડ્યા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરની સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ આજે સવારે આતંકીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. એજન્સી દ્વારા ઘણાં સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. SIAની ઘણી ટીમો શ્રીનગર, અનંતનાગ, કુલગામ અને શોપિયાંમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

SIAના એક ટોચના અધિકારીએ કહ્યું કે તપાસ એજન્સીએ સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની મદદથી ઘણાં સ્થળોએ દરોડા પાડ્યા છે. અધિકારીએ ઉમેર્યું કે અગાઉ નોંધાયેલા કેસો અંગે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

એજન્સીઓએ શ્રીનગરમાં મોહમ્મદ હનીફ ભટના ઘરે તલાશી અભિયાન હાથ ધર્યું હતું. અધિકારીઓની બીજી ટીમે ગુલામ અહેમદ લોનના પુત્ર અબ્દુલ હમીદ લોનના ઘરે દરોડા પાડ્યા હતા. બીજી ટીમ શોપિયાંના રેબન ઝૈનપોરા ખાતે સરજન બરકતીના પુત્ર અબ્દુલ રજીક વાગેના ઘરે પહોંચી અને તલાશી લીધી. આ સિવાય સરજન બરકતીના ભાઈ મોહમ્મદ શફીના ઘરની પણ સર્ચ કરવામાં આવી હતી. કુલગામમાં એજન્સીએ કાટપોરા યારીપોરામાં એક ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અનંતનાગમાં પણ કેટલાંક ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

આ અગાઉ મંગળવારે NIAની ટીમે ટેરર ફંડિંગ કેસના સંબંધમાં જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIA ના અધિકારીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની મદદથી ખીણના શ્રીનગર, પુલવામા, શોપિયાં, કુલગામ અને અનંતનાગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

(7:07 pm IST)