Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

બાયડનના શપથ ગ્રહણ પૂર્વે મિલિટ્રી ઝોનમાં ફેરવાયું યુએસ કેપિટલ

૨૦ જાન્‍યુઆરીએ જો બાયડનના શપથ ગ્રહણ : નેશનલ ગાર્ડના ૨૫૦૦ જવાનો તૈનાત થયા

વોશિંગ્‍ટન તા. ૧૮ : સુપ્રીમ કોર્ટ અને યૂએસ કેપિટલ તથા સરકારી ઈમારતોની આસપાસ ૭ ફીટનું બેરિયર તૈયાર કરાયું છે. એટલું જ નહીં ઈમારતોની આસપાસ નેશનલ ગાર્ડના લગભગ ૨૫૦૦ જવાનો જો બાયડનના શપથ ગ્રહણ સમારોહ પૂર્વે તૈયારી રૂપે તૈનાત કરી દેવાયા છે. યૂએસ કેપિટલ જાણે કે મિલિટ્રી ઝોનમાં ફેરવાઈ ચૂક્‍યું છે.

અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિના રૂપમાં જો બાયડન ૨૦ જાન્‍યુઆરીએ શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. આ પહેલાં અમેરિકી સાંસદ કેપિટલ અને તેની આસપાસના વિસ્‍તારોને મિલિટ્રી ઝોનમાં ફેરવી દેવામાં આવ્‍યા છે. આ વિસ્‍તારોમાં ભારે સુરક્ષાકર્મીઓ તૈનાત છે. ૬ જાન્‍યુઆરીના રોજ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના સમર્થકોએ ચૂંટણી પરિણામોને ફેરવવાની માંગને લઈને યૂએસ કેપિટલમાં હલ્લાબોલ કર્યો હતો તેને ધ્‍યાનમા રાખીને હવે ટ્રમ્‍પ સામે મહાભિયોગ લાગૂ કરાયો છે. અમેરિકા આ ઘટનાથી હલી ચૂક્‍યું છે અને હવે  સુરક્ષાઓના ભાગ રૂપે નેશનલ ગાર્ડના ૨૫૦૦ જવાનો તૈનાત કરાયા છે.

મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટ, યૂએસ કેપિટલ અને તેની ઈમારતોની આસપાસ ૭ ફીટના બેરિયર બનાવાયા છે. એટલું જ નહીં ઈમારતોની આસપાસ નેશનલ ગાર્ડના ૨૫૦૦ જવાનોને તૈનાત કરાયા છે. માહિતી અનુસાર રાષ્ટ્રપતિ લિંકનના શપથ ગ્રહણ બાદ યૂએસ કેપિટલ પર પહેલી વાર આટલી મોટી સંખ્‍યામાં સુરક્ષાબળ તૈનાત કરાશે. વર્જિનિયા યૂનિવર્સિટીમાં પ્રેસિડેન્‍શિયલ સ્‍ટડીઝના નિર્દેશક બારબરાનું કહેવું છે કે એવું નથી કે આ સ્‍થિતિનો પહેલી વાર સામનો કર્યો છે. આ આધુનિક સમયમાં ૯/૧૧ પછી આવું ક્‍યારેય થયું નથી.

 મળતી માહિતી અનુસાર આશંકા છે કે શપથ ગ્રહણ સમારોહમાં યૂએસ કેપિટલની બહાર ટ્રમ્‍પના સમર્થકો રેલી કાઢી શકે છે. આ સમયે સિક્રેટ સર્વિસના લોકો સુરક્ષાની વ્‍યવસ્‍થામાં જોડાયેલા છે. વોશિંગ્‍ટન ડીસીના ઈતિહાસમાં આવી સુરક્ષા પહેલી વાર જોવા મળશે. ડીસીમાં ૪૦૦૦ યૂએસ માર્શલની તૈનાતી પણ કરી શકાશે, લોકો વધારે સંખ્‍યામાં ન આવે તે માટે નેશનલ મોલ પણ બંધ કરાયો છે. આ સિવાય લોકોની અવરજવર આ વિસ્‍તારમાં નહીંના બરોબર છે. વોશિંગ્‍ટન ડીસી પોલીસે અહીં ન આવવાની અપીલ છેલ્લા ૧ અઠવાડિયાથી કરી છે. અહીં સુરક્ષા ખતરાને ઘટાડવાની દિશામાં કામ થઈ રહ્યું છે.

આ સમયે અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે હજારો સૈનિકો અને કાયદા પ્રવર્તન અધિકારીઓની સાથે થનારો આ સમારોહ દુનિયાને સ્‍પષ્ટ સંકેત આપશે કે અમેરિકા ફરી પોતાના રંગમાં પરત આવી રહ્યું છે. બાયડને શુક્રવારે એક વર્ચ્‍યુઅલ સ્‍વાગત સમારોહમાં કહ્યું કે આ કાર્યક્રમની ગરિમા, શાંતિ અને સુરક્ષા  સુનિશ્ચિત કરવા માટે તેમને કાયદાકીય પ્રવર્તન એજન્‍સીઓની સુરક્ષા પર ભરોસો છે. છેલ્લા અઠવાડિયે કેપિટલમાં હિસાને ઉકસાવનારા રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની બયાનબાજીને લઈને બાયડને કહ્યું કે આ રાષ્ટ્રપતિએ જે કર્યું છે તે અમેરિકા પર એક ડાઘ સમાન છે.

(11:42 am IST)