Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

દેશની આર્થિક રાજધાની મુંબઈ વિશ્વનું બીજું સૌથી પ્રામાણિક શહેર

ફિનલેન્ડના હેલસિંકી શહેર: ઈમાનદારી ચકાસવા વિશ્વના 16 મોટા શહેરોમાં સર્વે : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ શેર કરી માહિતી

મુંબઈ : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ  ‘The Wallet Experiment’ ની વિગતો શેર કરી હતી. શહેરની ઈમાનદારીને ચકાસવા માટે કરવામાં આવેલા આ સામાજિક પ્રયોગમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ વિશ્વનું બીજું સૌથી પ્રામાણિક શહેર બની ગયું છે.

એક સમાચાર સંસ્થા એ જાણવા માંગતી હતી કે દુનિયાના કયા શહેરનું પાત્ર કેટલું પ્રમાણિક છે. તેથી તેણે ‘The Wallet Experiment હાથ ધર્યો. આ સામાજિક પ્રયોગ હેઠળ, જાણી જોઈને વિશ્વના 16 મોટા શહેરોમાં કુલ 192 પાકીટ ખોઈ નાંખવામાં આવ્યા હતા. આ રીતે લગભગ દરેક શહેરમાં 12 પાકીટ અજાણ્યા સ્થળો પર ફેંકી દેવામાં આવ્યા હતા.

આ તમામ પાકીટમાં એક વ્યક્તિનું નામ, સરનામું, ફોન નંબર, પરિવારનો ફોટો, કુપન અને બિઝનેસ કાર્ડ મુકવામાં આવ્યા હતા. તે ઉપરાંત સ્થાનિક ચલણ મુજબ 50 ડોલર (આશરે 3,600 રૂપિયા) ની રકમ પણ મુકવામાં આવી હતી અને રાહ જોવામાં આવી હતી કે ક્યાં શહેરમાંથી કેટલા પાકીટ પાછા મળે છે. એટલે કેટલા લોકો સંપર્ક કરીને પાકીટ પરત આપે છે.

આ સામાજિક પ્રયોયમાં 12માંથી 9 પાકીટ મુંબઈમાં પાછા આવ્યા અને તે વિશ્વનું બીજું સૌથી પ્રમાણિક શહેર બન્યું. તે જ સમયે, ફિનલેન્ડના હેલસિંકી શહેરમાં 12 પૈકી 11 પાકીટ સુરક્ષિત પાછા આવ્યા અને તે વિશ્વનું સૌથી પ્રમાણિક શહેર હોવાનું જાણવા મળ્યું. તે જ સમયે, ન્યૂયોર્ક અને બુડાપેસ્ટમાં 12 માંથી 8 પાકીટ પાછા આવ્યા, મોસ્કો અને એમ્સ્ટરડેમમાં 7, બર્લિન અને લુબ્લજાનામાં 6, લંડન અને વર્સેલ્સમાં 5.

આ માહિતી શેર કરતા આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કર્યું કે તેમના માટે આ આશ્ચર્યજનક નથી. જો કે, આ પરિણામે તેને સંતોષથી ભરી દીધો હતો. જો સબંધિત શહેરોના લોકોની આવક સાથે મુંબઈની સરખામણી કરવામાં આવે તો આ બાબતે ખુબજ ગૌરવપૂર્ણ સાબિત થાય છે.

પોર્ટુગલના લિસ્બન શહેરમાં, 12 માંથી માત્ર એક જ પાકીટ પાછું આવ્યું. આ રીતે તે આ યાદીમાં તળિયે રહ્યો. તે જ સમયે, 12 માંથી 4 પાકીટ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં, સ્વિટ્ઝર્લેન્ડમાં ઝુરિચ અને રોમાનિયામાં બુકારેસ્ટ, ચેક રિપબ્લિકના પ્રાગમાં 3 અને સ્પેનના મેડ્રિડમાં 2 પરત ફર્યા હતા

(12:05 am IST)