Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

મહારાષ્ટ્રમાં રાજકીય 'ધડાકા - ભડાકા'ના એંધાણ : મોદી અને પવાર વચ્ચે મંત્રણા : ઉધ્ધવ - કોંગ્રેસના શ્વાસ અધ્ધર

શું ભાજપ - એનસીપી વચ્ચે ખીચડી રંધાઇ રહી છે ? : મહારાષ્ટ્રમાં ભાજપ પાસે ૧૦૪, શિવસેના પાસે ૫૬, એનસીપી પાસે ૫૪ અને કોંગ્રેસ પાસે ૪૩નું સંખ્યાબળ છે

નવી દિલ્હી તા. ૧૭ : એનસીપીના પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેના આવાસ પર મુલાકાત કરી. દિલ્હીમાં આજે અચાનક પીએમ મોદી અને શરદ પવાર વચ્ચે મુલાકાતથી રાજકારણમાં ગરમાવો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચે આ બેઠક ૫૦ મીનીટ સુધી ચાલી. આ મુલાકાતના અનેક રાજકીય અટકળો લગાવામાં આવી રહી છે. અગાઉ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને પીયુષ ગોયલે પણ એનસીપી ચીફ સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ મુલાકાતની પુષ્ટિ કરી છે. પીએમઓના ફોટોની સાથે ટ્વિટ કર્યું, રાજ્યસભા સાંસદ શરદ પવાર નરેન્દ્ર મોદીને મળ્યા. ઉલ્લેખનિય છે કે, આ મુલાકાત એવા સમયે થઇ છે. જ્યારે થોડા સમય પહેલા જ એવી અટકળો સામે આવી કે શરદ પવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બની શકે છે. જો કે એનસીપી ચીફે આ અટકળોને ફગાવી દીધી હતી. બીજી બાજુ આ મુલાકાતથી મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો બંધાયા છે.

શરદ પવાર અને પીએમ મોદીની આ મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં પણ રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં મોટાભાગને નારાજગીના સમાચાર આવતા રહ્યા છે. એવામાં અંદાજો છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉલટફેરની તૈયારી તો નથી.તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે શરદ પવારને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવાની રણનીતિ પર પ્રશાંત કિશોર કામ કરી રહ્યા છે. પ્રશાંતે શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી. જો કે શરદ પવારે આ અટકળોને નિરાધાર ગણાવી હતી અને પ્રશાંત કિશોર સાથે બેઠકને બિન રાજકીય બેઠક ગણાવી હતી.

(3:21 pm IST)