Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

આત્મહત્યા માટે નબળી માનસિકતા ધરાવતો વ્યક્તિ જવાબદાર, કોઇ અન્ય નહીંઃ દિલ્હી હાઇકોર્ટ

અરજદાર પૈકી એક મહિલા મૃતક સાથે પ્રેમસંબંધમાં હતીઃઆ ચુકાદો એવા કેસમાં આવ્યો હતો કે જ્યાં એક પુરુષે પ્રેમમાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરી હતીે

નવી દિલ્હી, તા.૧૭

દિલ્હી હાઈકોર્ટે બુધવાર, ૧૭ એપ્રિલના રોજ આપેલા ચુકાદામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આત્મહત્યાની જવાબદારી માત્ર નાજુક માનસિકતા ધરાવતી વ્યક્તિઓની છે, અન્યની નહીં. જસ્ટિસ અમિત મહાજને કહ્યું હતું કે, *કમજોર અથવા નબળા મનના વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા ખોટા નિર્ણય માટે કોઇ અન્ય વ્યક્તિને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ દોષિત ઠેરવી શકાય નહીં.* કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પ્રેમમાં નિષ્ફળતા અથવા નબળા શૈક્ષણિક પ્રદર્શન જેવા કિસ્સાઓમાં વ્યક્તિઓને ઉશ્કેરણી માટે જવાબદાર ઠેરવી શકાય નહીં.

આ ચુકાદો એવા કેસમાં આવ્યો હતો કે જ્યાં એક પુરુષે પ્રેમમાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરી હતી. જેમાં મહિલાને તેને ઉશ્કેરવાના કોઈપણ આરોપમાંથી મુક્ત કરવામા આવી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું, 'જો પ્રેમમાં નિષ્ફળતાને કારણે પ્રેમી આત્મહત્યા કરે છે, તો મહિલાને આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટે દોષિત ઠેરવી શકાય નહીં.

આત્મહત્યા કરનાર વ્યક્તિના પિતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી. અરજદાર પૈકી એક મહિલા મૃતક સાથે પ્રેમસંબંધમાં હતી. અન્ય અરજદાર કોમન ફ્રેન્ડ હતો.

તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે અરજદારોએ મૃતકને એમ કહીને ઉશ્કેર્યો હતા કે તેઓ એકબીજા સાથે શારીરિક સંબંધો ધરાવે છે અને ટૂંક સમયમાં લગ્ન કરશે. મૃતકે પોતાની સુસાઈડ નોટમાં બે અરજદારોના કારણે આત્મહત્યા કરી હોવાનું લખ્યું હતું. અરજદારોને આગોતરા જામીન આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે રેકોર્ડ પર મુકવામાં આવેલી વોટ્સએપ ચેટ પરથી પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાય છે કે મૃતક સંવેદનશીલ સ્વભાવનો હતો અને જ્યારે પણ મહિલા તેની સાથે વાત કરવાનો ઇનકાર કરતી ત્યારે તે સતત આત્મહત્યા કરવાની ધમકી આપતો હતો.

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે સુસાઈડ નોટમાં પીડા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ ઉશ્કેરણીનો સંકેત આપ્યો નથી. અરજદારો દ્વારા ધમકીઓ અને કોઈપણ ઉશ્કેરણીનું સ્વરૃપ નક્કી કરવા માટે કેસ ટ્રાયલ આગળ વધશે.

(8:56 pm IST)