Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રિસેપ્‍શન સ્‍થળ લગ્નનો ભાગ નહિ : જયાં દંપતિ સાથે રહે ત્‍યાં જ તલાકની કાર્યવાહી

મુંબઈ હાઇકોર્ટે મહિલા વિરૂધ્‍ધ ફેમિલી કોર્ટનો આદેશ ફગાવ્‍યો : રાજસ્‍થાનમા લગ્ન..મુંબઈમાં રિસેપ્‍શન..હવે અમેરીકામાં થશે તલાક : અજબ પ્રેમ કી ગજબ કહાની

મુંબઇ તા. ૧૭ : બોમ્‍બે હાઈકોર્ટે છૂટાછેડાના એક કેસના ચુકાદામાં કહ્યું હતું કે લગ્નના રિસેપ્‍શનના સ્‍થળને લગ્નનો ભાગ ગણી શકાય નહીં. લગ્ન પછી અન્‍ય જગ્‍યાએ દંપતીનું સ્‍વાગત કરવું એ પતિ-પત્‍ની વચ્‍ચેના વૈવાહિક વિવાદોના નિર્ણય માટે સંબંધિત ફેમિલી કોર્ટને અધિકારક્ષેત્ર આપી શકતું નથી. છૂટાછેડાની કાર્યવાહી ત્‍યાં થવી જોઈએ જયાં દંપતી છેલ્લે સાથે હતા. જસ્‍ટિસ રાજેશ પાટીલે મહિલાની અરજી સાંભળ્‍યા બાદ બાંદ્રા ફેમિલી કોર્ટના તેના વિરુદ્ધના આદેશને રદ કર્યો હતો.

જૂન ૨૦૧૫માં રાજસ્‍થાનના જોધપુરમાં બંનેએ હિંદુ વિધિથી લગ્ન કર્યા હતા. લગ્નના ચાર દિવસ બાદ મુંબઈમાં રિસેપ્‍શન યોજાયું હતું. રિસેપ્‍શનના ૧૦ દિવસ બાદ કપલ અમેરિકા માટે રવાના થયું હતું. લગભગ ચાર વર્ષ સાથે રહ્યા બાદ બંને ઓક્‍ટોબર ૨૦૧૯થી અલગ રહેવા લાગ્‍યા હતા. ઓગસ્‍ટ ૨૦૨૦ માં, પતિએ ક્રૂરતાના આધારે બાંદ્રાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી, જયારે પત્‍નીએ યુએસમાં છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી. પત્‍નીએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં પતિની છૂટાછેડાની અરજીને ફગાવી દેવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે પત્‍નીની અરજી ફગાવી દીધી હતી. તેની સામે તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

હાઈકોર્ટે કહ્યું કે, કપલનું છેલ્લું રહેઠાણ અમેરિકા માનવામાં આવશે. મુંબઈ તેમનું છેલ્લું રહેઠાણ ન હોઈ શકે, જયાં તેઓ લગ્ન પછી ૧૦ દિવસ રોકાયા હતા. કોર્ટે પતિની દલીલને ફગાવી દીધી હતી કે લગ્નનું ઘર મુંબઈમાં હોવાથી મુંબઈને તે સ્‍થળ ગણવું જોઈએ જયાં તેઓ છેલ્લે સાથે રહેતા હતા.

પત્‍નીએ પિટિશનમાં દલીલ કરી હતી કે હિંદુ મેરેજ એક્‍ટ, ૧૯૫૫ની કલમ ૧૯ હેઠળ છૂટાછેડાની અરજી ફક્‍ત તે જ ફેમિલી અથવા ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટમાં દાખલ કરી શકાય છે કે જેના અધિકારક્ષેત્રમાં લગ્ન થયા હતા અથવા જયાં પરણિત યુગલ છેલ્લે સાથે રહેતા હતા.

(3:34 pm IST)