Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

શિપિંગ ચાર્જ વધતાં ગુજરાતની નિકાસકાર કંપનીઓ ઉપર આર્થિક ભારણ વધશે

ઇરાન-ઇઝરાયેલ વચ્‍ચે યુધ્‍ધ : ૧૭મી એપ્રિલ બાદ પિક સિઝન સરચાર્જ અને GRI જાહેર નહાવાસેવા, મુંદ્રા અને કંડલા સહિતના પોર્ટથી મધ્‍ય પૂર્વના દેશોની નિકાસનો ખર્ચ વધશે

મુંબઇ તા. ૧૭ : ગુજરાતની આયાત - નિકાસ સાથે સંકળાયેલી કંપનીઓએ રાતા સમુદ્રની કટોકટીના પગલે ચાલુ વર્ષના પ્રારંભે જ ૧૫ ટકાથી ૨૦ ટકાનો દરિયાઈ ફેઇટના ચાર્જમાં વધારાનો આર્થિક ભારણનો સામનો કર્યો હતો. હવે ઇરાન - ઇઝરાયેલ વચ્‍ચે યુદ્ધની સ્‍થિતિના પગલે અખાતના દેશોમાં નિકાસ કરતી કંપનીઓને આગામી ૧૭મી એપ્રિલ બાદ જનરલ રેટ ઇન્‍કિંઝ (GRI) અને પિક સીઝન સરચાર્જ (PSS) ચૂકવવો પડશે. જે કંટેઇનર દીઠ ૨૦૦ ડોલર વધશે. અમેરિકા અને કેનેડાના શિપિંગ ચાર્જ એક અગ્રણી શિપિંગ કંપનીએ કંટેઈનર દીઠ ૪૨૦૦ ડોલર હતા તેમાં ૧૦૦૦ ડોલરનો વધારો કર્યો હતો. હવે જીઓપોલીટકલ સ્‍થિતિના પગલે પણ શિપિંગ કંપનીઓ નિર્ણય લેતી હોય છે.

એક ફ્રેન્‍ચ કંટેઇનર કંપનીએ ગ્રાહકોને મોકલેલી સૂચનામાં જણાવ્‍યું છે કે, GRIમાં વધારો જરૂરી છે. આ વધારો અસરકારક અને ખાત્રી બધ્‍ધ સેવા માટે જરૂરી છે. જે ૨૧મી એપ્રિલે ન્‍હાવા સેવા અને ૨૩મી એપ્રિલે મુંદ્રા બંદરથી નિકાસ થનાર કંટેઈનરો માટે છે.  આવી જ રીતે એક અન્‍ય શિપિંગ કંપનીએ પણ પીક સિઝન સરચાર્જ (PSS)ની જાહેરાત કરી છે. જેમાં પીક સિઝન લેવી TEU (૨૦ ફૂટના કંટેઈનર) દીઠ ૧૦૦ ડોલરની છે. જયારે FEU (૪૦ ફૂટના કંટેઈનર) દીઠ ૨૦૦ ડોલરની કરી છે. જે ન્‍હાવાસેવા, મુંદ્રા અને કંડલા બંદરથી નિકાસ થનાર કંટેઇનરો ઉપર લેવાશે. ઈરાકના ઉમ્‍મ કાસર અને દ.એરેબિયાના દમ્‍મામ બંદર માટે જહાજ સેવામાં ૨૦મી એપ્રિલથી અમલી બનાવી છે. ઉલ્લેખનીય છેકે, ભારત અને મિડલ -ઈ સ્‍ટના દેશો વચ્‍ચે વધી રહેલા વેપારના પગલે શિપિંગ ચાર્જ પણ વધી રહ્યા છે. ખાસ કરીને જેબેલ અલી બંદરને જોડતા વ્‍યવહાર ઉપર જોવા મળે છે. પ. ભારતના બંદરોથી સરેરાશ જેબેલ અલી બંદર માટેના દર TEU દીઠ ૨૫૦ ડોલર અને જ્‍ચ્‍શ્‍દ્વક ૫૦૦ ડોલર છે.ભારત અને યુનાઈડેટ આરબ અમિરાત વચ્‍ચેના કોમ્‍પ્રિહેન્‍સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્‍ટના પગલે પણ બંને દેશો વચ્‍ચે વેપાર વધી રહ્યો છે. જેમાં ગુજરાતમાંથી એફએમસીજી, ઈલેક્‍ટ્રોનિક્‍સ, કૃષિ, ફાર્મા, ફૂડ સ્‍ટફ, રિટેઇલ ગુડ્‍સ, કાપડ અને તૈયાર વષાો, કેમિકલ,એન્‍જિનિયરિંગ ગુડ્‍સ વગેરેની નિકાસ મુખ્‍ય છે. આગામી ૫ વર્ષમાં બંને દેશો વચ્‍ચે ઓઈલ સિવાયની ચીજવસ્‍તુઓનો વેપાર ૧૦૦ બિલિયન ડોલર થવાની આશા રખાય છે.

સુએઝ કેનાલ દ્વારા વેપાર ૫૦ ટકા ઘટયો

ઇન્‍ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના જણાવ્‍યા મુજબ, આ વર્ષે જાન્‍યુઆરી અને ફેબ્રુઆરીમાં સુએઝ કેનાલ દ્વારા વેપાર અગાઉના વર્ષની તુલનાએ ૫૦ ટકા ઘટી જવા પામી છે. જયારે પનામા કેનાલ દ્વારા ૩૨ ટકા વેપાર ઘટી જવા પામ્‍યો છે. જેના પગલે સપ્‍લાયચેનને અસર પડી છે. જોકે રાતા સમુદ્રની કટોકટીથી ભારતની નિકાસ ઉપર આંશિક અસર પડી હતી. ભારત દ્વારા થતી નિકાસ હવે કેપ ઓફ ગુડ હોપ થઇને થઇ રહી છે. જેની વેપાર કોઇ અંતરાય વિના ચાલે છે. પ્રારંભમાં હોથી બળવાખોરોએ ઇઝરાયેલ સાથે સંકળાયેલા જહોજોને લક્ષ્યાંક બનાવ્‍યા બાદ જે દેશો ઇઝરાયેલને ટેકો આપતા હોય તેના જહાજોને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. જોકે હવે મહત્‍વની શિપિંગ કંપનીઓ તેમના જહાજો સુએઝ કેનાલથી કેપ ઓફ ગુડ હોપ તરફ વાળતી હોવાથી ફ્રેઇટ અને ટ્રાન્‍સપોર્ટેશન ખર્ચ વધ્‍યો છે. ગત વર્ષે ઓકટોબરના અંતે અને આ વર્ષે જાન્‍યુઆરીમાં વૈશ્વિક કંટેઇનર ફ્રેઇટ ઇન્‍ડેક્‍સ ૧૦૦૦ પોઇન્‍ટથી પણ વધુ ઉછળ્‍યો હતો.

નિકાસકારોને એર કાર્ગોનો સહારો લેવો પડયો

એશિયા અને યુરોપ વચ્‍ચે સૌથી ટુંકો દરિયાઇ માર્ગ સુએઝ કેનાલ છે, ત્‍યારે આ કેનાલમાંથી પસાર થતાં જહાજો ઉપર હુમલાના પગલે ગુજરાતની નિકાસ ઉપર અસર પડી રહી છે. નિકાસકારોએ હવે વધુ કિંમત ચૂકવીને એરકાર્ગોનો સહારો લેવો પડયો છે. ગુજરાતમાંથી નિકાસ થતી ફાર્મા, ટેક્‍સટાઇલ, ફુડ પ્રોડક્‍ટ્‍સ અને એન્‍જિનિયરિંગની ચીજ વસ્‍તુઓ મહત્‍વની છે. દેશની ફાર્મા કંપનીઓમાંથી ૫૦ ટકાની આવક અમેરિકા અને યુરોપમાં થતી નિકાસ દ્વારા મળે છે. બે તૃતિયાંશ ફાર્મા નિકાસ દરિયાઇ માર્ગે થાય છે. ઉલ્લેખનીય છેકે, અમદાવાદમાં ગત ઓકટોબર ૨૦૨૩માં સરેરાશ એરકાર્ગો કોમ્‍પ્‍લેક્‍સમાં સરેરાશ ૮૦ મેટ્રિક ટન માલાસામાન આવતો હતો. હવે રોજના ૨૦૦ મેટ્રિક ટન આવે છે. ઇસ્‍ટ આફ્રિકા, કુવેત, સાઉદી અરેબિયા, દુબાઇ, મસ્‍કત સહિતના દેશોમાં હવે એરકાર્ગો દ્વારા સામાન મોકલવામાં આવી રહ્યો છે.

 

નિકાસકારોના હિતમાં રિઝર્વ બેંક, ઇરડા કાર્યવાહી કરે : કેન્‍દ્ર સરકાર

કેન્‍દ્રના નાણામંત્રાલયે રિઝર્વ બેંક અને ઇરડાને પત્ર લખીને જણાવ્‍યું છેકે, રાતા ઉપર થતો હુમલાના પગલે વેપારને સમુદ્રમાં હોથી બળવાખોરો દ્વારા જહાજો અસર પડી છે ત્‍યારે એક્‍સપોર્ટ ક્રેડિટની પ્રાપ્‍યતા અને વધેલા વીમાના પ્રિમિયમનું મોનિટર કરવામાં આવે. જેથી ભારતીય નિકાસકારોને મોરચે લડવામાં સરળતા રહે. ગત મહિને નાણાં મંત્રાલયે આરબીઆઇ, ઇરડા અને એક્‍ઝિમ બેંકને પત્ર લખીને જણાવ્‍યું હતુંકે, નિકાસકારોની સમસ્‍યાઓને હલ કરવા પગલાં લેવામાં આવે. ભારતીય નિકાસકારોનો નિકાસ ખર્ચ વધી રહ્યો છે ત્‍યારે આ કાર્યવાહી કરવી જરૂરી છે.

એક સરકારી અધિકારીએ જણાવ્‍યું હતુંકે, વાણિજય મંત્રાલય, નિકાસકારો તથા અન્‍ય હિતદારો સાથે ચર્ચા બાદ નક્કી કરાયું છેકે, ક્ષેત્રવાર નિયમનકારો આ મુદ્દે જરૂરી પગલા લેશે. નિકાસકારો તથા અન્‍ય વેપારને નવી ધિરાણ મર્યાદા મંજુર કરતી વખતે આ બાબતને પણ ધ્‍યાનમાં લેવી.ગત ફેબ્રુઆરીમાં નાણાંકીય સેવા સચિવે જણાવ્‍યું હતુંકે, સરકારે બેંકો અને વિમા કંપનીઓને આ કટોકટીને નજરમાં રાખીને કાર્યવાહી કરવી.

(11:40 am IST)