Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નોર્થ કોરિયા સાથે યુધ્ધની તૈયારીમાં અમેરિકા

અંતિમ વિકલ્પના ભાગરૂપે ગુપ્ત રીતે યુધ્ધની તૈયારીઓ શરૂ કરી

વોશિંગ્ટન તા. ૧૭ : નોર્થ કોરિયા તરફથી વધતા જતા પડકારોને ધ્યાનમાં રાખતા અમેરિકાની સેનાએ અંતિમ વિકલ્પના રૂપમાં ગુપ્ત રીતે યુદ્ઘની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સેના અને અધિકારી સહિત તમામ શાંતિપૂર્ણ રીતે યુદ્ઘની તૈયારી કરી રહ્યાં છે. જોકે, કોઈ નથી ઈચ્છતું કે યુદ્ઘ થાય પરંતુ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે અમેરિકાએ અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ આરંભી દીધી છે. બંને દેશોના નેતાઓ વચ્ચે દિન પ્રતિદિન જે પ્રકારે શાબ્દિક પ્રહારો થઈ રહ્યાં છે તેને ધ્યાનમાં રાખી અમેરિકાના કાન ખડા થઈ ગયાં છે.

નોર્થ કૈરોલિનાના ફોર્ટ બ્રેગમાં ગત મહિને અમેરિકાના અપાચે અટેક હેલિકોપ્તર અને ચેનૂક કાર્ગો હેલિકોપ્ટરોએ મળીને યુદ્ઘાભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ દરમિયાન યુદ્ઘના સમયે દુશ્મન દેશ જયારે તોપના ગોળા વરસાવે ત્યારે સૈનિઓની ટૂકડી અને ઉપકરણોને કેવી રીતે સુરક્ષીત ખસેડવામાં આવે તેની પ્રેકિટસ કરવામાં આવી હતી. બે દિવસ બાદ નેવાડાના આકાશમાં સેનાની ૮૨મા એરબોર્ન ડિવિઝનના ૧૯૯ સૈનિકોએ C-17 મિલિટરી કાર્ગો પ્લેન્સમાંથી પેરાશૂટ વડે છલાંગ લગાવીને અભ્યાસ કર્યો હતો. મહત્વની બાબત એ રહી હતી કે વિદેશની ધરતી પર ઉતરવા માટે અંધારી રાતે જવાનોએ આ અભ્યાસ કર્યો હતો.

જયારે આગામી મહિને અમૈરિકાની અનેક આર્મી પોટ્સ પર ૧૦૦૦થી પણ વધારે રિઝર્વ સૈનિકો ઈમરજન્સી સ્થિતિમાં એક જગ્યાએ સૈનિકોને એકત્ર કરવામાં આવે, જેનાથી સૈનિકોને વિદેશી ધરતી માટે તત્કાળ રવાના કરવામાં આવી તે પ્રકારનો અભ્યાસ કરશે. એટલુ જ નહીં, આવતા મહિને દક્ષિણ કોરિયામાં વિંટર ઓલમ્પિકનો પ્રારંભ થઈ રહ્યો છે. તેવામાં પેંટાગોન કોરિયાઈ પ્રાયદ્વિપમાં ઉત્કૃષ્ટ સ્પેશિયલ ઓપરેશન ટીમ રવાના કરવાની ફિરાકમાં છે.

કેટલાક અધિકારીઓનું કહેવું છે કે, અંતે અમેરિકા અહીં પણ ઈરાક અને સીરિયાની માફક જ કોરિયાઈ-બેઝડ ટાસ્ક ફોર્સ બનાવવા માંગે છે. જોકે કેટલાક અધિકારીઓનું કહેવું છે કે, આ પગલાને માત્ર આતંકવાદ વિરોધી અભિયાનો સાથે જોડીને જ જોવામાં આવે.

જોકે અમેરિકાના સૈન્યને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રાખવામાં આવે છે. સંરક્ષણ વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અમેરિકા પોતાના સૈન્યની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જેથી કરીને નોર્થ કોરિયા તરફથી મળનારા કોઈ પણ પ્રકારના પડકારને વધુ સારી રીતે ખાળી ખાળી શકાય.

(12:40 pm IST)