Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રેલવેમાં ભાડા વધારો

રેલવેમાં હવે તહેવારો દરમિયાન અને લોઅર બર્થ માટે ચૂકવી પડશે વધુ રકમ

નવી દિલ્હી તા. ૧૭ : રેલવે મુસાફરોને લોઅર બર્થ (નીચેની સીટ)નો વિકલ્પ પસંદ કરવા અથવા તહેવારમાં વધુ રકમ આપવી પડી શકે છે. રેલવેની ભાડા સમીક્ષા સમિતિએ આ પ્રસ્તાવો મૂકયા છે. જો રેલવે બોર્ડ આ પ્રસ્તાવોનો સ્વીકાર કરશે તો નીચેની બર્થ વધુ મોંઘી થશે.

સૂત્રોએ જણાવ્યું છે કે પ્રીમિયમ ટ્રેનોમાં ફલેકસી ભાડા પ્રણાલીની સમીક્ષા માટે નક્કી કરેલી સમિતિએ પ્રસ્તાવો આપ્યા છે કે રેલવેએ એરલાઈન્સ અને હોટેલોની જેમ ડાયનામિક મૂલ્ય મોડલ અપનાવવું જોઈએ. જે રીતે વિમાનમાં યાત્રીઓ આગળની લાઈનમાં સીટ મેળવવા માટે વધુ રકમ ચૂકવે છે તેવી જ રીતે ટ્રેનમાં પણ પોતાની પસંદગીની બર્થ માટે વધુ ભાડુ વસૂલવું જોઈએ.

સૂત્રોનું કહેવું છે કે સ્પેશિયલ ટ્રેન અને ખાસ રૂટ પર ચાલતી ટ્રેનોના ભાડા વધી શકે છે. સમિતિને એવો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે તહેવારોની સીઝનમાં દરમિયાન ભાડા વધારવા જોઈએ.

રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી અને બપોરે એકથી પાંચ વાગ્યા સુધી પહોંચાડનારી ટ્રેનો માટે મુસાફરોને ભાડામાં ઘટાડો મળી શકે છે. સમિતિના રેલવે બોર્ડના અધિકારી, નીતિ આયોગના સલાહકાર રવિન્દ્ર ગોયલ, એર ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશનક મીનાક્ષી મલિક, પ્રોફેસર એસ. શ્રીરામ અને લી મેરિડિયન દિલ્હીના રેવન્યૂ ડિરેકટરનો સમાવેશ થાય છે.(૨૧.૯)

 

(12:34 pm IST)