Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કરદાતાઓને તોતિંગ સ્કૂલ ફીનો લાભ બજેટમાં મળશે?

કેટલીક ફીને બાદ કરતા સ્કૂલ ફીને આવક વેરામાંથી મુકિત નથી

નવી દિલ્હી તા. ૧૭ : આવકવેરા વિભાગના હાલના નિયમો પ્રમાણે બાળકોના સ્કૂલ શિક્ષણ અંગે કરાયેલા ખર્ચ પર કરદાતાઓને ટેકસમાં રાહતની જોગવાઈ છે. જોકે, ટેકસમાં રાહતની આ જોગવાઈ ઈનકમ ટેકસ કાયદાની કલમ ૮૦-સી અને ૮૦-ઈ અંતર્ગત આપવામાં આવે છે, જયાં બાળકોની વાર્ષિક ટ્યુશન ફીને ૧.૫૦ લાખ રૂપિયાની ટેકસ મુકિતની રકમમાં જોડી શકાય છે. .

શિક્ષણના નામે અપાતી આ રાહતના વ્યાપમાં માત્ર ફૂલ ટાઈમ કોર્સ આવે છે જયાં ફી કોઈ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલ કે અન્ય કોઈ શિક્ષણ સંસ્થાને આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રી-નર્સરી, પ્લે સ્કૂલ અને નર્સરી સ્કૂલ માટે અપાયેલી ફી અંગે પણ ટેકસમાં રાહત મેળવી શકાય છે..

આ રાહત પછી પણ સ્કૂલ ફીમાં ટ્યુશન ફી ઉપરાંત હોસ્ટેલ, મેસ, બુકસ અને સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ, ટ્રાન્સપોર્ટેશન, લાઈબ્રેરી ચાર્જ, ડોનેશન વગેરે પર ખર્ચ સ્કૂલ શિક્ષણ પર વાર્ષિક ખર્ચનો મોટો હિસ્સો છે. ઈનકમ ટેકસના નિયમો પ્રમાણે, પ્રાઈવેટ કે હોમ ટ્યુશન, કોચિંગ ઈન્સ્ટિટ્યુટ, પાર્ટ ટાઈમ કોર્સ કે પત્ર દ્વારા શિક્ષણ માટે ટેકસમાં રિબેટની જોગવાઈ નથી. આ તમામ ખર્ચ સંપૂર્ણપણે ટેકસના વ્યાપમાં સામેલ છે. જયારે દેશની બહાર લેવાતા શિક્ષણમાં અપાયેલી ટ્યુશન ફી અંગે પણ ટેકસમાં રાહતની કોઈ જોગવાઈ નથી. ખાસ વાત એ છે કે હાલના ટેકસ નિયમ અંતર્ગત સ્કૂલ ફીના નામે ટેકસમાં રાહત માત્ર બાળકોની ફી પર લઈ શકાય છે. .

જો કોઈ કરદાતા તેના પતિ કે પત્નીના શિક્ષણ માટે ફી આપે છે કે અન્ય કોઈ આશ્રિતની ફી ચૂકવે છે તો તેના માટે ટેકસમાં છૂટની કોઈ જોગવાઈ નથી. આગામી બજેટમાં કેન્દ્ર સરકાર સ્કૂલ શિક્ષણને વધુ અસરકારક બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. .

તેમાં સ્કૂલ પર થનારા અનેક મહત્ત્વના ખર્ચને પણ ટેકસના વ્યાપમાં સામેલ કરી શકાય છે અથવા સંપૂર્ણપણે સ્કૂલ શિક્ષણ પર ખર્ચને ટેકસમાંથી બહાર પણ કરવામાં આવી શકે છે.(૨૧.૧૨)

(11:41 am IST)