Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જિજ્ઞેશ મેવાણી અને કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાશે?

રાહુલ ગાંધીને મળ્યા કન્હૈયા કુમારઃ કોંગ્રેસમાં જોડાવાની અટકળો, જિજ્ઞેશ મેવાણી પણ સંપર્કમાં : પાર્ટીનું માનવું છે કે કુમાર અને મેવાણીના સામેલ થવાથી બિહાર અને ગુજરાત- બંને રાજયોમાં કોંગ્રેસને તાકાત મળશે

નવી દિલ્હી, તા.૧૬:  ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી નેતા અને જેએનયૂ સ્ટુડન્ટ સંદ્યના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના સૂત્રો મુજબ, કન્હૈયા કુમાર કોંગ્રેસના સંપર્કમાં છે અને તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી લીધી છે. બીજી તરફ, ગુજરાતના વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસ નેતૃત્વના સંપર્કમાં છે. કોંગ્રેસે ગત ૨૦૧૭ના વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠકથી ઉમેદવાર ન ઉતારીને મેવાણીની મદદ કરી હતી. કોંગ્રેસ આ બંને નેતાઓને પાર્ટીમાં સામેલ કરી યુવા નેતાઓની ખોટ દૂર કરવા માંગે છે જેઓએ હાલમાં જ પાર્ટી છોડી છે.

'ઇન્ડિયન એકસપ્રેસ'ના રિપોર્ટ મુજબ, કન્હૈયા કુમાર સાથે જોડાયેલા નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ CPIમાં સંકુચિતતા અનુભવી રહ્યા છે. તેમણે મંગળવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે કન્હૈયા કુમાર ટૂંક સમયમાં કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. કુમારના CPI છોડવાના અહેવાલો અંગે જયારે પાર્ટીના મહાસચિવ ડી. રાજાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ સંબંધમાં તેમણે પણ અહેવાલો સાંભળ્યા છે. હું માત્ર એટલું જ કહી શકું છું કે તેઓ આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સામેલ થયા હતા. તેમણે બેઠકમાં પોતાની વાત રજૂ કરી અને અનેક મુદ્દાઓ પર પોતાના વિચાર પણ રજૂ કર્યા હતા.

કોંગ્રેસ સૂત્રો મુજબ, કન્હૈયા કુમાર બિહારના રાજકારણમાં સક્રિય ભૂમિકા નિભાવવા માંગે છે. કોંગ્રેસ છેલ્લા ત્રણ દશકથી બિહારમાં દ્યણું ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે RJD અને CPI (ML)ની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૭૦ સીટોમાંથી ૧૯ પર જ જીત મળી હતી. જયારે RJDએ ૧૪૪ સીટોમાંથી અડધી સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. જયારે CPI (ML)એ ૧૯માંથી ૧૨ સીટ પર જીત નોંધાવી હતી.

કોંગ્રેસના સૂત્રો મુજબ, પાર્ટીનું માનવું છે કે કુમાર અને મેવાણીના સામેલ થવાથી બિહાર અને ગુજરાત- બંને રાજયોમાં કોંગ્રેસને તાકાત મળશે. છેલ્લા બે વર્ષોમાં અનેક યુવા નેતાઓએ પાર્ટીનો સાથ છોડ્યો છે. તેમાં જયોતિરાદિત્ય સિંધિયા, સુષ્મીતા દેવ, જિતિન પ્રસાદ અને પ્રિયંકા ચતુર્વેદીના નામ સામેલ છે. કન્હૈયા કુમાર જો કોંગ્રેસમાં સામેલ થઈ જાય છે તો તેમને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્રમાં પ્રચાર માટે ઉતારી શકાય છે. નોંધનીય છે કે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે.

(4:10 pm IST)