Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

યાદશકિત, નિર્ણયશકિત અને કાર્યશકિત એ ત્રણેય શકિતઓ શ્રી નરેન્દ્ર મોદીના પ્રભાવી વ્યકિતત્વની ઓળખ છે

યાદ શકિત

વર્ષ ૧૯૮૧ થી ૨૦૨૧ સુધીનાં મારા ૪૦ વર્ષના સંબંધના સંભારણામાં મને શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વનું સૌથી મોટું અને મજબૂત પાસું લાગ્યું હોય તો તેમની યાદશકિત, નિર્ણયશકિત અને કાર્યશકિત. આ ત્રણેય શકિતઓ તેમનાં પ્રભાવી વ્યકિતત્વની ઓળખ છે. મારા ચાર દાયકાના ઓબ્ઝર્વેશનથી હું દાવા સાથે કહી શકું છું કે, દુનિયાના કોઈપણ લીડરમાં નહીં હોય તેવી પાવરફૂલ મેમરી મોદીજી પાસે છે. તેમને કોઈપણ પહેલીવાર મળે ત્યારથી તેનું નામ યાદ રહી જાય. કોઈપણ શહેર કે ગામમાં જાય ત્યાં અનેક લોકોને નામથી બોલાવે અને જાહેરસભામાં પણ વર્ષો પહેલાંના સંભારણાનો ઉલ્લેખ અવશ્ય કહે. સ્થાનિક વખણાતી વસ્તુ કે કોઈની દુકાનનું નામ કે ત્યાંના ઈતિહાસની વાત કરે. એક ઉદાહરણ તરીકે કહું તો, ધંધુકામાં આવે તો શ્રી પ્રફુલભાઈ ભટ્ટ, જૂની કહેવત 'દિકરીને બંદુકે તેવી પરંતુ ધંધુકે ન દેવી' તેમજ ધોળકામાં કાળીદાસ કાકા, નટુભાઈ, કનુભાઈ જોષી રસિકભાઈ ફોટોગ્રાફરને વગેરેને યાદ કરે. કયાંક ચા કે આઈસ્ક્રીમની દુકાન કે પછી કયાંક ફલાણાંભાઈ ભજીયા-ગાંઠીયાનો ઉલ્લેખ કરે.

અમરેલીમાં પ્રવાસ હોય ત્યારે કવિ કલાપી થી લઈને જલારામબાપાના ગુરૂ પૂ.ભોજલરામ બાપા, ડો.જીવરાજભાઈ મહેતા, દુલાભાયા કાગ, કાનજી ભૂટા બારોટ, રમેશ પારેખ સુધીનો લોકોને યાદ કરે છે. કોઈપણને મળે ત્યારે તેઓ પરીવારના સભ્યોનાં નામ કે જે તે સંબંધિત કામ પણ યાદ હોય. સરકારી અધિકારીઓ સાથેની મિટીંગોમાં પણ યોજના, ફાઈલ કામ, સોંપેલ કામના સંદર્ભના જૂના રેફરન્સ યાદ હોય અને અધિકારીઓની સંપૂર્ણ માહિતી અને કાર્યશૈલી ખબર હોય એટલે અધિકારીઓ પણ તેમની યાદશકિતને કારણે જ ડરતાં હતાં.

નિર્ણયશકિત

મને વ્યકિતગત પત્ર દ્વારા અને મૌખિક રીતે કહેતાં કે જાહેરજીવનમાં કામ કરવું હોય તો વ્યકિતગત નિર્ણયશકિત ડેવલપ કરવી પડે. મને ધારાસભ્ય તરીકે યાદ છે કે, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનાં તમામ ૧૮૦૦૦ ગામડાઓમાં ૨૪ કલાક વિજળી-જયોતિગ્રામ યોજનાનો વિચાર મૂકીને જાહેરાત કરી. તે સમયે કોંગ્રેસના શ્રી અમરસિંહ ચૌધરીએ શ્રી નરેન્દ્રભાઈને કહ્યું કે ૨૪ કલાક વિજળી માટે ફીડરો અલગ કરવા જેવી અનેક ટેકનીકલ સેટપ કરવું ખુબ જ અર્ધ હોવાથી ગામડાંઓમાં ૨૪ કલાક વિજળી અશકય છે અને કોઈકાળે થઈ શકે નહીં. તમે નવાં નવાં છો એટલે હું તેમને સલાહ આપું છું.

ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાંતિથી સાંભળ્યા અને કહ્યું કે, મેં દરક ગામડાઓને ૨૪ કલાક વિજળી આપવાનો નિર્ણય અને સંકલ્પ લઈ લીધો છે. હવે હું આ નિર્ણયને પૂરો કરીને બતાવીશ. પછી તેમણે કદાચ વિધાનસભામાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યા હતો. આજે તેમણે લીધેલ અધરાં નિર્ણયને પૂર્ણ કર્યા જેનાં ફળ આજે ગુજરાતના તમામ ગામોમાં ૨૪ કલાક વિજળીથી ઝળહળે છે.

નર્મદા યોજનાનાં સંઘર્ષથી સફળતા સુધીનો ઈતિહાસ ગુજરાતની જનતાને યાદ છે. નર્મદા ડેમની ઊંચાઈ, કેનાલનું કામ, વિસ્થાપિતોનો પ્રશ્ન, નર્મદા વિરોધી કોંગ્રેસ અને મેઘા પાટકર સાથેના અન્ય પરીબળો સામેનો સંઘર્ષ, ત્રણ દિવસના ઉપવાસ અને પ્રધાનમંત્રી બન્યાં પછી ૧૭માં દિવસે નર્મદા ડેમના દરવાજા માટે સંમતિ આપવાના કાર્ય શ્રુંખલાઓમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય ઈચ્છાશકિતનું પરીણામ હતું.

પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ ?

હું પડકારો ઝીલનારો માણસ છું.

હું તેજ ઉછીનું લઉં નહીં,

હું જાતે બળતું ફાનસ છું.

ગુજરાત, દેશ માટે સૌથી વધુ અઘરા નિર્ણયો એમણે જ કર્યા છે. દરેક નિર્ણય પાછળ એમનું લોખંડી મનોબળ દેખાઈ આવે છે. દેશની સુરક્ષા માટે કોઈ બાંધછોડ ન કરવી, દેશ ઉપર અગાઉના સમયમાં જયારે જયારે પણ હુમલા થયા છે ત્યારે તે વખતની સરકારોએ કોઈ રીએકશન આપ્યાં નથી, માત્ર નમાલા જવાબો જ આપ્યા છે. તપાસ કમિટી બનાવશું,યુ.એનમાં અને અમેરીકાને ફરીયાદ કરીશું આ જ પ્રકારના નિવેદનો કર્યા છે. દેશમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ આવ્યું ત્યારથી લોખંડી અને અડગ અનેક દેશહિત-જનહિતનાં નિર્ણયો થઈ રહ્યાં છે. ઉરી અને પુલવામા હુમલાના જવાબમાં પહેલીવાર દુશ્મનોને તેમણે જડબાતોડ અને ઝડપી જવાબ આપ્યો.પાકિસ્તાનની અંદર ઘુસીને, દુશ્મન દેશમાં જઈને ભારતના સૈનિકોએ સર્જીકલ સ્ટ્રાઈક,એર સ્ટ્રાઈક દ્વારા આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો કર્યો. તે મક્કમ તેમની નિર્ણયશકિતનો પરીચય હતો. આ નિર્ણયશકિત દુનિયાએ જોઈ,જાણી,માણી અને વખાણી પણ ખરી. શ્રી નરેન્દ્રભાઈની નિર્ણયશકિતને કારણે ભારત સૌથી શકિતશાળી અને ગૌરવશાળી દેશ બન્યો છે.

દેશની સાંસ્કૃતિક રાષ્ટ્રની ઓળખ રામજન્મભૂમિ મંદિરનાં નિર્માણ અને દેશની એકતા-અખંડીતતા માટેના કાશ્મીરમાં ૩૭૦ હટાવવી, એક આઝાદી પહેલા સદીઓથી ચાલતો વિવાદ અને એક આઝાદી પછીની સમસ્યા. આ બે નિર્ણયો એ સૌથી અઘરામાં અઘરા ઐતિહાસિક નિર્ણયો હતાં. ભગવાન શ્રી રામ એ દેશની જનતાનું શ્રદ્ઘા,આસ્થા, ભકિત-શકિતનું કેન્દ્ર છે. ભગવાન રામ એ સુશાસનનું પ્રતિક છે. સામાજીક સમરસતાનું પ્રતિબિંબ છે. પરંતુ દાયકાઓથી રામજન્મભૂમિ મંદિર માટે દરેક પ્રકારનાં સંઘર્ષ, આંદોલનો થયાં. પૂ.સંતો, વિશ્વ હિન્દુ પરીષદ,આર.એસ.એસ.સહિત લાખો લોકો દ્વારા તપશ્ચર્યા,બલિદાનો આપવામાં આવ્યાં. શ્રી રામ મંદિરના નિર્માણનો વિવાદ સદીઓથી ચાલતો હતો. આનો ઉકેલ આવશે તેવું કોઈએ સ્વપ્નમાં પણ ન હોતું વિચાર્યું અને ઉકેલ લાવવા માટે કોઈ હિંમત પણ ન હોતું કરતું. તેવાં સમયે શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પોતાની મક્કમ નિર્ણયશકિતથી લોકશાહી અને ન્યાય પ્રક્રિયા મુજબ આનો ઉકેલ લાવવામાં અગ્રણી ભૂમિકા નિભાવી અને જેના કારણે આજે હિન્દુસ્તાનના જન-જનમાં વસેલાં ભગવાન શ્રી રામનું જન્મભૂમિનું નિર્માણ અયોધ્યામાં થઈ રહ્યું છે. આમ, રાષ્ટ્રહેત કે જનહિતનાં અઘરાં અઘરાં નિર્ણયો લેવાની તેમની શકિતએ દેશ અને વિશ્વમાં મજબૂત નેતૃત્વની પ્રતિષ્ઠા ઊભી થઈ છે.

ભારત વિરોધી, અલગાંવવાદીઓ, આંતકવાદીઓને સમર્થન આપનારા લોકોનો કાશ્મીર પર સંપૂર્ણ કબજો હતો. ભારતની સુપ્રિમ કોર્ટનાં ૧૦૬ કાયદાઓ કાશ્મીરમાં ૩૭૦ની કલમને કારણે લાગું પડતાં ન હતાં. ભારત મુર્દાબાદ,પાકિસ્તાન ઝીંદબાદના નારા લાગે અને ભારતનો રાષ્ટ્રધ્વજ સળગવે તો પણ કયાંય તેના પર કેસ ન થઈ શકે. આવી પરિસ્થિતિમાં ૩૭૦ હટાવવી એટલે ભયંકર જોખમી અને કાશ્મીર ભડકે બળશે તેવી ધમકીઓ વચ્ચે શ્રી નરેન્દ્રભાઈ મોદીની નિર્ણયશકિત દ્વારા કાશ્મીરમાં ૩૭૦ હટાવીને સરદાર પટેલનું સ્વપ્ન, ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનને સાર્થક કરીને એક ભારત-એક સંવિધાનને વધુ મજબૂત કરી દીધું છે.

કાર્યશકિત

રાષ્ટ્રહિત અને જનહિતને ધ્યાનમાં રાખીને શ્રી મોદીજીએ પોતાની કાર્યશકિત દ્વારા લોકાભિમુખ શાસન આપ્યું છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીની યાદશકિત અને નિર્ણયશકિત જેમ તેમની કાર્યશકિત પણ લાજવાબ છે. જે કામ હાથમાં લીધું હોય એના પર જ વધુ ફોકસ કરવું, પુરતું લેશન કરવું, પરિશ્રમ કરવો, ફોલોઅપ કરવું, ફીડબેક મેળવો એ તેમની વિશેષતા છે. સવારે વહેલા ઉઠવું, કામ સોંપવા માટે ફોન કરવાં, સવારે અલગ અલગ પ્રકારની મિટીંગોનો ક્રમ ગોઠવવો. આમ તેમણે પોતાની કાર્યશકિતથી બીજાની કાર્યક્ષમતા વધારીને એક નવા પ્રકારનું 'વર્ક કલ્ચર' ઊભું કર્યું છે.

'પૂર્વ આયોજન' અને 'પૂર્ણ આયોજન' આ શબ્દને તેમણે મૂર્તિમંત કર્યા છે.કોઈપણ સંગઠન કાર્ય કે કાર્યક્રમની પૂર્વતૈયારી માટે પરીશ્રમ કરે અને લોકોને પણ કરાવે, લોકોને જોડીને કામ કરાવવું આ તેમની આગવી વિશેષતા છે. સંગઠનના પત્રકો અને ચોપડા લખવા માટે અનેક જીલ્લામાં તે સમયના મોટા-મોટા પદાધિકારીઓને પણ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી બેસાડયાંના અનેક પ્રસંગો કાર્યકર્તાઓને યાદ છે. વહેલી સવારે કામના સંદર્ભમાં ફોન કરે અને મોડી રાત્રે કામનું શું થયું ? તેમનું ફોલોઅપ કરે. શ્રી નરેન્દ્રભાઈ મોદીને પાર્ટી જે કામ સોપ્યું હોય તેમાં દરેક લોકોને સતર્કતા અને સક્રિયતા રાખવી જ પડે. આવી કાર્યશકિતને કારણે જ તેઓ લોકો સાથે 'એટેચ અને એકમેક' થઈ શકયા અને 'સંકલ્પો'ને સિદ્ઘ કરી શકયાં.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી કાર્યમાં System Changeના સતત અને સખત આગ્રહી રહ્યાં. મુખ્યમંત્રી અને હવે, પ્રધાનમંત્રી કાર્યકાળ દરમ્યાન તેઓ એ લોકો માટે ઉપયોગી અનેક યોજનાઓ અમલમાં મૂકી અને તેમને સરકારની સહાય સીધેસીધી પહોંચે તે માટે Direct Benefit Transfer (DBT)ને માધ્યમ બનાવ્યું. તે પહેલાં ૪૦ કરોડથી વધુ જનખાતાઓ ખોલાવ્યાં. આજે ૩૧૧ યોજનાઓ દ્વારા ૧૮,૬૪,૦૩૦ કરોડ રૂ.લાભાર્થીઓના સીધેસીધાં બેંક ખાતામાં પહોંચી રહ્યાં છે. જે કોંગ્રેસના સમયમાં શ્રી રાજીવ ગાંધીએ કબૂલાત કરી હતી કે, દિલ્હીથી ૧ રૂ.મોકલું અને ૧૫ પૈસા જ નીચે સુધી પહોંચે છે. આજે દિલ્હીથી નીકળેલાં રૂ.પૂરેપૂરા અને સીધેસીધાં પહોંચી રહ્યાં છે. આ શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યશકિતનો ઉત્ત્।મ ઉદાહરણ છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસે તેમની યાદશકિત, નિર્ણયશકિત અને કાર્યશકિત વધુને વધુ ઉજવળ રહે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ.

: લેખક :

ભરત પંડયા

પૂર્વ પ્રવકતા, ગુજરાત ભાજપ

(3:28 pm IST)