Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

પેટ્રોલ-ડીઝલનાં ભાવ નહીં ઘટે : નાણામંત્રીએ કહ્યું - એક્સાઈઝ ડ્યુટીમાં કોઈપણ કાપ મૂકી શકાય નહીં

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું-લોકોનું ચિંતા વાજબી છે. જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્યો ચર્ચા ન કરે ત્યાં સુધી કોઈ ઉકેલ શક્ય નથી

નવી દિલ્હી : પેટ્રોલ ડીઝલના ભાવ નહિ ઘટે તેવો સંકેત આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે લોકો ચિંતિત છે તે સાચું છે. લોકોનું ચિંતા વાજબી છે. જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્યો ચર્ચા ન કરે ત્યાં સુધી કોઈ ઉકેલ શક્ય નથી. નાણામંત્રી સીતારમણે કહ્યું કે એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ કાપ મૂકી શકાય નહીં.

તેમણે જણાવ્યું કે, યુપીએ સરકાર દ્વારા જારી કરાયેલા ઓઇલ બોન્ડ્સ માટે વ્યાજની ચુકવણી કરવામાં આવતા સરકારી ખજાના પર બોજો છે. અત્યાર સુધી, સરકારે છેલ્લા પાંચ વર્ષમાં જ ઓઇલ બોન્ડ્સ પર 62,000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. તેમણે કહ્યું કે વર્ષ 2026 સુધીમાં આપણે હજુ વધુ 37 હજાર કરોડ રૂપિયા ચૂકવવાના છે.

નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે વ્યાજની ચુકવણી છતાં 1.30 લાખ કરોડથી વધુની મુળ રકમ હજું પણ બાકી છે. જો અમારા પર ઓઇલ બોન્ડનો બોજો ન હોત તો અમે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની સ્થિતિમાં હોત. નાણામંત્રીએ વાહનોના ઈંધણના ભાવની હાલની સ્થિતિ માટે માત્રને માત્ર કોંગ્રેસની નીતિઓને જવાબદાર ગણાવી.

યુપીએ સરકાર પર પ્રહાર કરતા સીતારમણે કહ્યું કે તેઓએ 1.44 લાખ કરોડ રૂપિયાના ઓઇલ બોન્ડ ઇશ્યૂ કરીને તેલની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. હું અગાઉની યુપીએ સરકારની જેમ યુક્તિઓ કરી શકતી નથી. તેનાથી અમારી સરકાર પર ભારણ વધ્યું છે અને તેના કારણે અમે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી શકતા નથી.

નવા ટેક્સ પોર્ટલમાં આવનારી સમસ્યાઓ અંગે નાણામંત્રી સીતારમણે કહ્યું કે નવા ટેક્સ પોર્ટલમાં આવનારી સમસ્યાઓ આગામી બે-ત્રણ દિવસમાં સંપૂર્ણપણે ઉકેલાઈ જશે.

(9:06 pm IST)