Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

તાલિબાનો સ્થાનિક ન્યૂઝ ચેનલમાં ઘુસ્યા : સુરક્ષાદળો પાસેથી હથિયારો ઝૂંટવી લીધા

ન્યૂઝની ઓફિસ સલામત રહેશે તેવી ખાતરી આપી : આ પહેલા તાલિબાને કંદહારમાં એક રેડિયો સ્ટેશન પર કબ્જો કર્યો હતો

કાબુલ :  તાલિબાને સમગ્ર દેશમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. અનેક પ્રકારની હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે સમગ્ર વિશ્વ ચિંતિત છે. દરમિયાન સોમવારે તાલિબાન લડવૈયાઓ સ્થાનિક મીડિયા હાઉસ ટોલો ન્યૂઝના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા, જ્યાં તેઓએ સુરક્ષા કર્મચારીઓ પાસેથી તેમના હથિયારો છીનવી લીધા. જો કે આ સમય દરમિયાન તેમણે ખાતરી પણ આપી હતી કે ટોલો ન્યૂઝની ઓફિસ સલામત રહેશે.

ટોલો ન્યૂઝ એ અફઘાનિસ્તાન સ્થિત મીડિયા સંસ્થા છે, જે લાંબા સમયથી વિશ્વભરના વાચકોને તાલિબાન સાથે જોડાયેલ અપડેટ પ્રદાન કરે છે. ટોલો ન્યૂઝે તાલિબાન લડવૈયાઓ કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હોવાની માહિતી પણ આપી છે. તેમણે જણાવ્યું કે તાલિબાન કાબુલમાં ટોલો ન્યૂઝના કમ્પાઉન્ડમાં ઘુસી ગયું અને ત્યાં સુરક્ષામાં રોકાયેલા સુરક્ષા કર્મચારીઓના હથિયારો તપાસવાનું શરૂ કર્યું. આ પછી તેમણે સરકાર દ્વારા સુરક્ષા માટે આપેલા હથિયારો પણ પોતાની સાથે લઇ ગયા. તાલિબાનોએ કમ્પાઉન્ડને નુકસાન ન કરવા સંમતિ આપી છે.

આ પહેલા તાલિબાને કંદહારમાં એક રેડિયો સ્ટેશન પર કબ્જો કર્યો હતો. તે છેલ્લા ઘણા દિવસોથી અફઘાનિસ્તાનના શહેરો પર કબજો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ગતરોજ તાલિબાન લડવૈયાઓએ રાજધાની કાબુલ પર કબજો કર્યો હતો, જે પછી સમગ્ર દેશમાં તાલિબાનનું શાસન ફરી પાછું આવ્યું.

તાલિબાન સત્તા પર પરત ફર્યા બાદ લોકોમાં ગભરાટનું વાતાવરણ ઉભું થયું છે. લોકો દેશ છોડીને અન્ય દેશોમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ એકઠી થઈ છે. લોકો નિર્ધારિત સંખ્યા કરતા ઘણી વધારે સંખ્યામાં વિમાનોમાં બેઠા છે. ઘણા લોકો પ્લેનના વ્હીલ પર બેઠેલા પણ જોવા મળ્યા હતા, જે પછી પ્લેન આકાશમાં પહોંચતાની સાથે જ નીચે પડવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

ફ્લાઇટ પકડવાનો પ્રયાસ કરતા લોકો વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફાયરિંગની ઘટના પણ બની હતી. જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એરપોર્ટ પર પરિસ્થિતિ ભયજનક બની હતી, જે બાદ એરપોર્ટ પર વિમાનોની અવરજવર બંધ કરવી પડી હતી. રનવેને સાફ કરવા માટે એરપોર્ટ પ્રશાસને ભારે મહેનત કરવી પડી હતી.

(8:04 pm IST)