Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મુર્શિદાબાદમાં TMC નેતાશાહ આલમ સરકાર પર બોમ્બ હુમલો, ડ્રાઈવરનું મોત : બે લોકોની ધરપકડ

ટીએમસી નેતાએ 12 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

કોલકતા : પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા ખતમ થવાનું નામ નથી લઈ રહી. હવે મુર્શિદાબાદમાં ટીએમસી નેતા પર બોમ્બ હુમલાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં ટીએમસી નેતા સહેજ બચી ગયા હતા, પરંતુ તેના ડ્રાઈવરનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે, જ્યારે ટીએમસી નેતાએ 12 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ TMC નેતા જેના પર આ હુમલો થયો છે, તેનું નામ શાહ આલમ સરકાર છે. તે મુર્શીદાબાદ જિલ્લાના રાની નગરમાં બ્લોક યુનિટના પ્રમુખ છે. જ્યારે તે ગોધણપરાથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ હુમલો થયો હતો. તમને જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણી બાદથી ભાજપ સતત TMC પર હુમલાનો આરોપ લગાવી રહી છે.

આ હુમલા અંગે પોલીસે જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસના નેતા આ હુમલામાં બચી ગયા હતા. જ્યારે રવિવારે મોડી રાત્રે થયેલા હુમલામાં તેમના ડ્રાઈવરનું મોત થયું હતું. આ હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, ટીએમસી નેતાની કાર ગોધનપરા રોડના ચોક નજીક આવી રહી હતી ત્યારે કેટલાક અજાણ્યા બદમાશોએ રસ્તો રોકી દીધો અને બોમ્બ ફેંકવાનું શરૂ કર્યું. હુમલામાં ઘાયલોને ગંભીર હાલતમાં મુર્શીદાબાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં 40 વર્ષીય ડ્રાઈવર અબ્દુર સત્તારનું મોત નીપજ્યું હતું.

ટીએમસી નેતાના સહયોગી સોહેલ રાણા અને તેમના સુરક્ષા ગાર્ડ જૈનલ આબેદીનને પણ ઈજા થઈ હતી. અહીં રાણીનગરના ટીએમસી ધારાસભ્ય સૌમિક હુસૈને કહ્યું કે, તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં શાહ આલમ સરકાર મારા ચૂંટણી એજન્ટ હતા. તેમણે મને 81,000 મતોથી જીતવામાં મદદ કરી. કોંગ્રેસ, ડાબેરીઓ અને ભાજપ ઇચ્છે છે કે, તેને મારી નાખવામાં આવે.

મને શંકા છે કે, કોઈ પણ વિપક્ષી નેતાએ આ હુમલાની યોજના બનાવી હતી. ભાજપના મુર્શીદાબાદ (દક્ષિણ)એ ટીએમસીના આક્ષેપોને ફગાવી દીધા હતા કે, તેમના પક્ષમાંથી કોઈ પણ હુમલામાં સામેલ નથી. સ્થાનિક કોંગ્રેસ અને ડાબેરી નેતાઓએ પણ આરોપોને નકાર્યા છે. અહીં, રાની નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે, 12 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.

(7:44 pm IST)