Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

16 સપ્ટેમ્બર, 2020 પછી કેટલા સાંસદો તથા ધારાસભ્યો સામેના ફોજદારી કેસો પાછા ખેંચ્યા ? : વર્તમાન કે પૂર્વ સાંસદો તથા ધારાસભ્યો સામેના ફોજદારી કેસ હાઇકોર્ટની મંજૂરી વિના પાછા ખેંચી શકાય નહીં : સુપ્રીમ કોર્ટે આપેલા આદેશના અનુસંધાને કર્ણાટક હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે માહિતી માંગી

કર્ણાટક : વર્તમાન કે પૂર્વ સાંસદો તથા ધારાસભ્યો સામેના ફોજદારી કેસો જે તે રાજ્યની હાઇકોર્ટની મંજૂરી વિના પાછા ખેંચી શકાય નહીં તેવા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્ણાટક હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે માહિતી માંગી છે. જે મુજબ 16 સપ્ટેમ્બર, 2020 પછી કેટલા સાંસદો તથા ધારાસભ્યો સામેના ફોજદારી કેસો પાછા ખેંચ્યા છે તેનો રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરવા સૂચના આપી છે.

મુખ્ય ન્યાયાધીશ અભય શ્રીનિવાસ ઓકા અને ન્યાયમૂર્તિ એનએસ સંજય ગૌડાની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે 10 ઓગસ્ટના સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં લઇ આવા તમામ કેસોની ચકાસણી કરવાની રહેશે.

આથી રાજ્ય સરકાર 16 સપ્ટેમ્બર, 2020 થી લાગુ પડે તે રીતે  ભૂતપૂર્વ તથા વર્તમાન સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસો પાછા ખેંચવા માટે લેવાયેલા નિર્ણય અને આદેશો રેકોર્ડ પર મૂકશે. જેની વિગત 31 ઓગસ્ટના રોજ અથવા તે પહેલા હાઇકોર્ટમાં રજુ કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે જે તે રાજ્યની હાઈકોર્ટની પૂર્વ મંજૂરી વગર સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસ પાછા ખેંચી શકાતા નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે. 

(7:43 pm IST)