Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનમાં તાલિબાનના ઉદયથી જમ્મુ-કાશ્મીરમાં મોટી અસર જોવા મળશે : પુર્વ ડીજીપીની ચેતવણી

પાકિસ્તાન હવે જૈશ અને લશ્કરના આતંકવાદી કેમ્પને પીઓકેથી અફઘાનિસ્તાનમાં શિફ્ટ કરશે:જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદ્યની ચેતવણી

નવી દિલ્હી :  તાલિબાનોએ અફઘાનિસ્તાનને સંપૂર્ણ રીતે કબજે કરી લીધું છે. ભારત સહિત વિશ્વના તમામ દેશો અફઘાનિસ્તાનની હાલની સ્થિતિથી ચિંતિત છે. આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદ્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઉદય સમગ્ર દક્ષિણ એશિયાને અસર કરશે. તેમણે કહ્યું, તેની અસર જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળશે.

પૂર્વ ડીજીપી એસપી વૈદ્યે કહ્યું કે, પાકિસ્તાન હવે જૈશ અને લશ્કરના આતંકવાદી કેમ્પને પીઓકેથી અફઘાનિસ્તાનમાં શિફ્ટ કરશે, જેથી તે આંતરરાષ્ટ્રીય તપાસમાં સામે ન આવે. વળી, અફઘાનિસ્તાન હવે ભારત વિરોધી આતંકવાદી જૂથો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનશે.

એસપી વૈદ્યે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં હવે આગામી 9-11નું કાવતરું ઘડાઈ શકે છે. આ સિવાય જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓની તાકાત વધશે. તે જ સમયે, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI તાલિબાનને તેના કેટલાક આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાં મોકલવા માટે કહી શકે છે. જેથી આતંકનું વાતાવરણ ઉભું કરી શકાય.

પૂર્વ ડીજીપીએ કહ્યું કે, તાલિબાને 1999માં પ્લેન હાઇજેકમાં પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી હતી. તે સમયે એસપી વૈદ્ય જમ્મુના ડીઆઈજી હતા અને મૌલાના મસૂદ અઝહર કોટ ભલવલ જેલમાંથી મુક્ત થયો હતો. વૈદ્યે કહ્યું, હવે આપણે ખૂબ સાવધ રહેવાની જરૂર છે. આપણે ચીન, પાકિસ્તાન અને તાલિબાનના ગઠબંધનનો સામનો કરવો પડી શકે છે. જમ્મુ અને કાશ્મીરના ડીજીપીએ આવનારો સમય ભારત માટે ખૂબ જ પડકારજનક ગણાવ્યો હતો.

(7:43 pm IST)