Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

દેશભરની જેલના કેદીઓને વિવિધ રમતની તાલીમ અપાશે

ઈન્ડિયન ઓઈલની જેલના કેદીઓને સુધારવા પહેલ : વિવિધ રમતોના નિષ્ણાત કોચ દ્વારા કંપની દ્વારા ચાર સપ્તાહ સુધી ૧૨૯ કેદીઓને રમતોનું મૂળભૂત પ્રશિક્ષણ અપાશે

અમદાવાદ, તા.૧૬ : જેલના કેદીઓના જીવનને વધુ સારું બનાવવામાં મદદ કરવા માટે ઇન્ડિયન ઓયલે 'પરિવર્તન નામક એક અનોખી પહેલની શરૃઆત કરી છેજે દેશભરની અમુક જેલોમાં કેદીઓને વિવિધ રમતોમાં તાલીમ આપવાની એક પહેલ છે. ઇન્ડિયન ઓયલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્ય દ્વારા આજે પહેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પહેલ અંતર્ગત ઇન્ડિયન ઓયલ, સંબંધિત રાજ્ય પોલીસના જેલ વિભાગ સાથે સંકલન કરીને, જેલની કેદીઓની શારીરિક અને માનસિક પરિસ્થિતિને સુધારવા, ખાસ કરીને રોગચાળાના સમયગાળા દરમિયાન મદદ કરવા, ભારતની જેલોમાં બેડમિન્ટન, વોલીબોલ, ચેસ, ટેનિસ અને કેરમમાં તાલીમ કાર્યક્રમોની સુવિધા આપશે. અનોખી પહેલની શરૃઆત યોગાનુયોગ ભારતના ૭૫ માં સ્વતંત્રતા દિવસે કરવામાં આવી છે. ચાર સપ્તાહની તાલીમ દરમ્યાન ૧૨૯ કેદીઓને ખેલોમાં મૂળભૂત પ્રશિક્ષણ આપવામાં આવશે, જેનાથી તેઓ મનોરંજન ઉપરાંત સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે. પહેલ સહભાગીઓના આત્મસન્માન અને આત્મવિશ્વાસમાં પણ વધારો કરશે.

ઇન્ડિયન ઓયલ પ્રોગ્રામના સહભાગીઓને સાધન સામગ્રી પણ આપશે.

ઇન્ડિયન ઓયલના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ કાર્યક્રમનું સંચાલન કરશે. બેડમિન્ટન ખેલાડીઓ અભિન્ન શ્યામ ગુપ્તા (અર્જુન પુરસ્કાર વિજેતા), તૃપ્તિ મુરુગુંડે (કોમનવેલ્થ ગેમ્સ મેડલ અને ધ્યાનચંદ પુરસ્કાર વિજેતા), એસ અરુણવિષ્ણુ (રાષ્ટ્રીય ચેમ્પિયન); મહિલા ગ્રાન્ડ માસ્ટર પદ્મિની રાઉત (ચેસ), ટેનિસ ખેલાડી રશ્મિ ચક્રવર્તી (રાષ્ટ્રીય ચેમ્પિયન) અને જાણીતા કેરમ ખેલાડીઓ રમેશબાબુ, એસ પરિમલાદેવી અને શ્રીનિવાસ કાર્યક્રમના કોચ હશે.

હાલમાં, ઇન્ડિયન ઓયલ જેલની મુદત પુરી કરી ચુકેલા લોકોને તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં ૩૦ રિટેલ આઉટલેટ્સ પર ગ્રાહક પરિચારકો તરીકે રોજગાર આપે છે.

(7:37 pm IST)