Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કોંગ્રેસ છોડી TMCમાં જોડાતાં ભૂતપૂર્વ સાંસદ સુસ્મિતા દેવ

મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ : સુસ્મિતા દેવના રાજીનામાના પત્ર સોનિયાને મળ્યાનો સુરજેવાલાનો ઈનકાર, તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ

નવી દિલ્હી, તા.૧૬ : કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સુસ્મિતા દેવ સોમવારે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. તે કોલકાતામાં ટીએમસી સાથે જોડાયા છે. દરમિયાન ટીએમસીના નેતા અભિષેક બેનર્જી અને ડેરેક બ્રાયન પણ હાજર રહ્યાં હતાં. સુસ્મિતા દેવ મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને પૂર્વ સાંસદ પણ છે. સુસ્મિતા દેવનું રાજીનામું કોંગ્રેસ માટે મોટો ઝટકો મનાય છે.

સુસ્મિતા દેવના રાજીનામા અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, હું તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ તેમનો ફોન બંધ છે. તેમણે કહ્યું કે, તે કોંગ્રેસના જૂના અને કદાવર નેતા છે. સોનિયા ગાંધીને અત્યાર સુધી તેમનો પત્ર મળ્યો નથી.

પાર્ટીમાંથી રાજીનામું આપતાં પહેલાં સુસ્મિતા દેવે ટ્વિટર એકાઉન્ટ પર પોતાનું બાયો બદલીને પૂર્વ કોંગ્રેસ નેતા કર્યું હતું. સુસ્મિતા દેવાના રાજીનામા અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, આંતરિક ખેંચતાણનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટીના નેતાઓની પીડા સુસ્મિતા દેવના રાજીનામા સાથે બહાર આવી છે. સિબ્બલે ટ્વિટ કરતાં લખ્યું કે, જ્યારે યુવા નેતા પાર્ટી છોડીને જાય છે તો તેનો આરોપ પાર્ટીના જૂના નેતાઓ અને વડીલ નેતાઓ પર લાગે છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં સુસ્મિતા દેવ ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ હતા. સુસ્મિતા દેવના પિતા સંતોષ મોહન દેવની આસામમાં સારી પકડ રહી છે. તે રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા. પિતા બાદ સુસ્મિતા દેવ પણ લોકસભામાં કોંગ્રેસની ટિકિટ પર સિલ્ચર સીટ પરથી જીત મેળવી સાંસદ બન્યા હતા.

(7:34 pm IST)