Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

લોકડાઉન ટાળવા લોકો ગાઈડલાઈનનું પાલન કરે

સ્વતંત્રતા દિવસ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની લોકોને અપીલ : મહારાષ્ટ્રમાંથી કોરોનાને લઈને લદાયેલા મોટા ભાગના પ્રતિબંધો હટાવાયા છે ત્યારે સાવચેત રહેવા ચેતવણી

મુંબઈ, તા.૧૬ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કોવિડ -૧૯ સંબંધિત મોટાભાગના પ્રતિબંધો હવે હટાવી લેવામાં આવ્યા છે, પરંતુ ખતરો હજી સમાપ્ત થયો નથી. અન્ય દેશોમાં વાયરસના નવા પ્રકારો મળી રહ્યા છે.

આપણે ધ્યાન રાખવું પડશે કે પડકારો આપણને અસર કરે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે આયોજિત ધ્વજવંદન સમારોહમાં લોકોને રાજ્ય અને દેશને કોવિડ -૧૯ મુક્ત બનાવવાની પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી હતી. ઠાકરેએ ચેતવણી પણ આપી હતી કે જો રાજ્ય કોરોનાના કેસોમાં વધારો જોશે તો લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.

મુખ્યમંત્રીએ કહ્યું કે દવાઓ અને રસીઓ ઉપલબ્ધ હોવા છતાં હજુ પણ ઓક્સિજનની અછત છે. અમે ઓક્સિજનની ઉપલબ્ધતાના આધારે પ્રતિબંધ હળવા કરી રહ્યા છીએ.

જો ત્રીજી લહેરના ભયને ધ્યાને લેતા ઓક્સિજનની ઉપલબ્ધતા ઓછી લાગે છે, તો રાજ્યમાં ફરીથી લોકડાઉન લાદવું પડી શકે છે. તેમણે કહ્યું કે લોકડાઉનને ટાળવા માટે લોકોએ કોરોના માર્ગદર્શિકાનું સખત પાલન કરવું જોઈએ.

ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોરોના મહામારી દરેકને આઝાદી પહેલાના દિવસોમાં લઈ ગઈ છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ રાજ્ય અને દેશને રોગમુક્ત બનાવવાનો સંકલ્પ લે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય તેના નાગરિકોના સહકારથી કોરોના સામે મજબૂત રીતે લડી રહ્યું છે અને રોગ સામે રસીકરણ અભિયાન પણ ઝડપી કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં લોકોને રવિવારના રોજ સ્વતંત્રતા દિવસથી લોકલ ટ્રેનોમાં બેસવાની મંજૂરી આપવામાં આવી છે, જો કે માટે શરત છે કે વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા હોય અને ત્યારબાદ ૧૪ દિવસનો ગાળો પણ પૂર્ણ કર્યો હોવો જોઈએ. ઉપરાંત, કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે અને મોલ, રેસ્ટોરાં, જીમ, સલુન્સ અને સ્પાને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

(7:32 pm IST)