Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અમેરિકામાં રહેતા અફઘાનીઓનું વ્હાઈટ હાઉસની બહાર પ્રદર્શન

અફઘાન પર તાલીબાનના કબજા બાદ અરાજકતા : અફઘાનિસ્તાનની સ્થિતિ માટે બાઈડનને જવાબદાર ગણાવ્યા : બાઈડન પાછા જાઓ તેવા નારા લગાવ્યા

અફઘાનિસ્તાનમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે અમેરિકામાં રહેતા અફઘાની લોકોએ વ્હાઈટ હાઉસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો બાઈડન પાછા જાઓ તેવા નારા લગાવ્યા હતા. તેમણે અફઘાનિસ્તાનની સ્થિતિ માટે રાષ્ટ્રપતિ બાઈડનને જવાબદાર ગણાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ બાઈડન પર દગો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે, ૨૦ વર્ષ બાદ ફરી એક વખત અમે ૨૦૦૦ની સાલ જેવી સ્થિતિમાં આવી ગયા છીએ.

ઉલ્લેખનીય છે કે, અમેરિકી સેનાની વાપસી વચ્ચે ૨૦ દિવસની અંદર સંપૂર્ણ અફઘાનિસ્તાન પર જોતજોતામાં તાલિબાને કબજો જમાવી દીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ચૂંટણી જીત્યા બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી અને નાટો સૈનિકોની વાપસીની જાહેરાત કરી હતી. બાઈડને જણાવ્યું હતું કે, અમેરિકી સેના અફઘાનિસ્તાન છોડી દેશે ત્યારબાદ તાલિબાનનું વર્ચસ્વ વધી જશે અને આજે સંપૂર્ણ અફઘાનિસ્તાન તેના કબજામાં છે.

વ્હાઈટ હાઉસ બહાર ઉભેલા એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, તેઓ શાંતિ ઈચ્છે છે. જો તાલિબાન ટેકઓવર કરે છે તો હજારો ઓસામા બિન લાદેન પેદા થશે. તાલિબાની લોકો પાકિસ્તાન સાથે મળી જશે અને તબાહી મચાવશે.

એક મહિલા પ્રદર્શનકારીએ જણાવ્યું કે, તાલિબાની લોકો મહિલાઓેને ટાર્ગેટ કરી રહ્યા છે, સૌ કોઈ તેના નિશાન પર છે.

(7:26 pm IST)