Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અમદાવાદ -સુરત સહિત દેશના 75 રેલ્વે સ્ટેશનો પર ખાદીનો સમાન ઉપલબ્ધ રહેશે : વોકલ ફોર લોકલને મળશે પ્રોત્સાહન

આગામી એક વર્ષ એટલે કે વર્ષ 2022 ના સ્વતંત્રતા દિવસ સુધી ચાલુ રહેશે

નવી દિલ્હી :  ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) એ દેશના 75 મોટા રેલવે સ્ટેશનો પર ખાદી ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ ઉભા કર્યા છે. આ તમામ સ્ટોલ આગામી એક વર્ષ એટલે કે વર્ષ 2022 ના સ્વતંત્રતા દિવસ સુધી ચાલુ રહેશે. કેવીઆઈસી (KVIC) એ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’  હેઠળ આ પહેલ કરી છે. 14 ઓગસ્ટ, 2021 ના રોજ તમામ 75 રેલવે સ્ટેશનો પર ખાદી સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શન અને વેચાણ માટે તૈયાર કરવામાં આવેલા સ્ટોલ દ્વારા, દેશના તમામ રેલ-પ્રવાસીઓને મુસાફરી દરમિયાન સ્થાનિક ખાદી ઉત્પાદનો ખાસ કરીને સ્થાનિક અથવા રાજ્યના પોતાના ઉત્પાદનો ખરીદવાની તક મળશે.આ પહેલ ખાદી કારીગરોને તેમની પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા અને વેચવા માટે એક વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડશે.

 

આ સ્ટેશનોમાં નવી દિલ્હી, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ, નાગપુર, જયપુર, અમદાવાદ, સુરત, અંબાલા કેન્ટ, ગ્વાલિયર, ભોપાલ, પટના, આગ્રા, લખનૌ, હાવડા, બેંગ્લોર, એર્નાકુલમ અને અન્ય રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.

ખાદી અને ગ્રામ ઉદ્યોગોના ઉત્પાદનો જેમ કે કપડાં, સીવેલાં તૈયાર કપડાં, ખાદી પ્રસાધનો, ખાદ્ય ચીજો, મધ, માટીના વાસણો વગેરે સ્ટેશનો પર રહેલા આ સ્ટોલ પર મળશે. આ સ્ટોલ્સ દ્વારા, દેશના તમામ રેલ-પ્રવાસીઓને સ્થાનિક ખાદી ઉત્પાદનો ખરીદવાની તક મળશે.

(7:20 pm IST)