Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

જાણો ૧૯૪૭ થી ૨૦૨૧ સુધીની સફર

૧૯૪૭માં ૮૮ રૂપિયા હતો સોનાનો ભાવ : આઝાદીથી અત્યાર સુધી આપ્યું ૫૨,૦૦૦% રિટર્નઃ ૧૯૪૭માં ચાંદીનો ભાવ લગભગ ૧૦૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો અને આઝાદીથી અત્યાર સુધી સિલ્વરે ૫૮,૭૦૦ ટકાનું રિટર્ન આપ્યું

નવી દિલ્હી,તા. ૧૬: સોનાની સાથે દરેક ભારતીય નો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. ખરાબ સમયમાં પૈસાની તાણ સર્જાય તેવી સ્થિતિનો સામનો કરવા માટે ભારતીયોમાં ગોલ્ડને સંભાળીને રાખવાની પરંપરા રહી છે. આજ કારણ છે કે દરેક ભારતીયના ઘરમાં ઓછી કે વધારે માત્રામાં સોનું જરુર પડેલું છે. વર્ષ ૧૯૪૭માં જયારે દેશ આઝાદ થયો ત્યારે સોના અને ચાંદીના ભાવ શું હતા? અને આઝાદીના ૭૪ વર્ષ બાદ સોના અને ચાંદીએ કેટલું રિટર્ન આપ્યું છે? આવો જાણીએ આઝાદીથી લઈને અત્યાર સુધી કેવું રહ્યા ગોલ્ડના ૭૪ વર્ષ...

આઝાદીથી અત્યાર સુધી ગોલ્ડમાં લગભગ ૫૨,૦૦૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ૧૯૪૭માં સોનાનો ભાવ લગભગ ૮૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો. ૧૯૫૯માં પહેલી વાર સોનું ૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામને પાર ગયું હતું. બીજી તરફ, વર્ષ ૧૯૭૪માં ૫૦૦ રૂપિયાન લેવલને પાર કરવામાં સફળ રહ્યું, જયારે ૨૦૦૭માં સોનાનો ભાવ ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. આ ઉપરાંત ૨૦૧૧માં ગોલ્ડનો ભાવ ૨૬,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે પહોંચ્યો હતો. નોંધનીય છે કે, ઓગસ્ટ ૨૦૨૦માં સોનું ૫૬,૧૯૧નો રેકોર્ડ હાઇ પર પહોંચી ગયું હતું. હાલમાં સોનાનો ભાવ પોતાના રેકોર્ડ હાઇથી લગભગ ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ ગ્રામ નીચે ચાલી રહ્યો છે.

આઝાદીથી અત્યાર સુધી ચાંદીના રિટર્ન પર નજર કરીએ તો ૧૯૪૭માં ચાંદીનો ભાવ લગભગ ૧૦૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો અને આઝાદીથી અત્યાર સુધી ૫૮,૭૦૦ ટકાનું રિટર્ન આપ્યું છે. આઝાદીના ૨૭ વર્ષ બાદ ૧૯૭૪માં સિલ્વરની કિંમત ૧૦૦૦ રૂપિયાને પાર ગઈ હતી અને ૧૯૮૭માં પહેલીવાર ભાવ ૫૦૦૦ રૂપિયાના સ્તરને પાર થયો હતો. વર્ષ ૨૦૦૮માં ચાંદી ૨૫,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર થઈ હતી. વર્ષ ૨૦૨૦માં ચાંદી ૭૭,૯૪૯ રૂપિયાની રેકોર્ડ હાઇ પહોંચી હતી અને હાલમાં રેકોર્ડ હાઇથી તેનો ભાવ લગભગ ૧૫૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ નીચો છે.

જાણકારોનું કહેવું છે કે જવેલરી ઉપરાંત ડિજિટલ ગોલ્ડમાં રોકાણ વધારી શકાય. ગોલ્ડ ઇટીએફ , ગોલ્ડ બોન્ડ , ગોલ્ડ એમએફમાં રોકાણ કરો. પોર્ટફોલિયોમાં ૧૦થી ૧૫ ટકા સોનામાં રોકાણ કરો કારણ કે અનિશ્ચિતતાના માહોલમાં સોનું સારું રિટર્ન આપે છે.

(3:46 pm IST)