Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મૃત્યુ દરમાં ઘટાડો છે મુખ્ય કારણ

૨૦૨૧માં દેશમાં વૃધ્ધોની વસ્તી ૧૩.૮ કરોડે પહોંચી

છેલ્લા બે દાયકામાં વૃધ્ધ પુરૂષોની સંખ્યા મહિલાઓ કરતા વધી : કેરળમાં સૌથી વધુ વૃધ્ધો નોંધાયા

નવી દિલ્હી તા. ૧૬ : દેશમાં વૃધ્ધોની વસ્તી ૧૯૬૧થી સતત વધી રહી છે અને ૨૦૨૧માં તે ૧૩.૮ કરોડે પહોંચી ગઇ છે. વૃધ્ધોની સંખ્યામાં વધારાનું મુખ્ય કારણ મૃત્યુદર ઘટયો હોવાનું છે. નેશનલ સ્ટેટેટીકસ ઓફિસના એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, છેલ્લા બે દાયકાઓમાં વૃધ્ધ પુરૂષોની સંખ્યા મહિલાઓ કરતા વધારે રહી છે. જો કે એવું અનુમાન કરાયું છે કે ૨૦૩૧માં વૃધ્ધ મહિલાઓની સંખ્યા પુરૂષોથી વધારે હશે. આ અભ્યાસમાં ૬૦ વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના લોકોને વૃધ્ધ ગણવામાં આવયા છે. એનએસઓએ 'ભારતમાં વૃધ્ધ-૨૦૨૧' શીર્ષકથી પોતાના અભ્યાસમાં કહ્યું કે દેશ અને રાજ્યો માટે ૨૦૧૧-૨૦૩૬માં વસ્તીના અંદાજ પર ટેકનીકલ ગ્રુપના રિપોર્ટ અનુસાર ૨૦૨૧માં દેશમાં લગભગ ૧૩.૮ કરોડ વૃધ્ધો છે. જેમાં ૬.૭ કરોડ પુરૂષો અને ૭.૧ કરોડ મહિલાઓ છે. અભ્યાસ અનુસાર ભારતમાં વૃધ્ધોની વસ્તી ૧૯૬૧થી સતત વધી રહી છે. આરોગ્ય સેવાઓ સુધરવાના કારણે મૃત્યુદર ઘટવાના લીધે આમ થયું છે. અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે ૨૦૧૧માં દેશમાં ૧૦.૩૮ કરોડ વૃધ્ધો હતા. જેમાં ૫.૨૮ કરોડ પુરૂષો અને ૫.૧૧ કરોડ મહિલાઓ હતી. ૨૦૩૧માં આ આંકડો ૧૯.૩૮ કરોડ થવાનો અંદાજ છે.

રાજ્યવાર આંકડાઓ જોવામાં આવે તો દેશના ૨૧ મુખ્ય રાજ્યોમાં કેરળની કુલ વસ્તીમાં વૃધ્ધોની ટકાવારી સૌથી વધારે ૧૬.૫ ટકા છે. જ્યારે તામિલનાડુમાં ૧૩.૬, હિમાચલ પ્રદેશમાં ૧૩.૧, પંજાબમાં ૧૨.૬ અને આંધ્રપ્રદેશમાં ૧૨.૪ ટકા છે. તો દેશમાં વૃધ્ધોની સૌથી ઓછી ટકાવારી બિહારમાં ૭.૭ ટકા છે. ઉત્તરપ્રદેશમાં તે આંકડો ૮.૧ ટકા અને આસામમાં ૮.૨ ટકા છે.

(3:45 pm IST)