Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ગૂગલે ડુડલ દ્વારા ભારતની પ્રથમ મહિલા સત્યાગ્રહી અને પ્રભાવશાળી કવિ સુભદ્રા કુમારી ચૌહાણનું કર્યું સન્માન

નવી દિલ્હીઃ તા.૧૬:ગૂગલે ભારતની પ્રથમ મહિલા સત્યાગ્રહી,પ્રભાવશાળી લેખક અને સ્વાતંત્ર્ય સેનાની સુભદ્રા કુમારી ચૌહાણના જીવનને સન્માનિત કરવા માટે એક ડૂડલ બહાર પાડ્યું છે.

પ્રથમ મહિલા સત્યાગ્રહી સુભદ્રા કુમારીનો જન્મ ૧૯૦૪ માં યુપીના નિહાલપુર ગામના રાજપૂત પરિવારમાં થયો હતો અને તેમણે નાની ઉંમરથી જ લખવાનું શરૂ કર્યું હતું. આપને જણાવી દઈએ કે, તેણીએ ૧૯૧૯ માં પ્રયાગરાજની ક્રોસ્ટવેટ ગર્લ્સ સ્કૂલમાંથી મિડલ સ્કૂલની પરીક્ષા પાસ કરી હતી. અને બાદમાં ખંડવાના ઠાકુર લક્ષ્મણ સિંહ ચૌહાણ સાથે તેમના લગ્ન થયા હતા.

ઉલ્લેખનીય છે કે,લગ્ન બાદ તે બ્રિટિશરો વિરુધ્ધ ચાલી રહેલા મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં જોડાયા અને તે દેશની પ્રથમ મહિલા સત્યાગ્રહી બની. ઉપરાંત બ્રિટિશ શાસન સામેના વિરોધમાં સામેલ થવા બદલ ૧૯૨૩ અને ૧૯૪૨ માં તેમને બે વખત જેલ થઈ હતી.

સુભદ્રા કુમારીને નાનપણથી જ લખવાનો શોખ હતો. આપને જણાવી દઈએ કે તેમની પ્રથમ કવિતા પ્રકાશિત થઈ હતી, ત્યારે તેઓ માત્ર ૯ વર્ષના હતા.ભારતીય રાષ્ટ્રીય ચળવળના સહભાગી તરીકે, તેમણે હંમેશા પ્રભાવશાળી લેખન અને કવિતાઓનો ઉપયોગ કરીને લોકોને રાષ્ટ્રની સાર્વભૌમત્વ માટે લડવા પ્રેરિત કર્યા હતા. તેમના લેખનમાં મુખ્યત્વે ભારતીય મહિલાઓની મુશ્કેલીઓ અને આઝાદીની ચળવળ દરમિયાન જે પડકારોનો સામનો કરવો પડ્યો તેના વિશે ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ.બ્રિટિશ શાસન વિરુધ્ધ તેમણે ૧૯૪૦ ના દાયકામાં દેશવાસીઓને સ્વતંત્રતાની લડાઈમાં પ્રેરિત કરવા માટે તેમણે કુલ ૮૮ કવિતાઓ અને ૪૬ ટૂંકી વાર્તાઓ પ્રકાશિત કરી હતી,જેની આજે ગૂગલ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે.સુભદ્રા કુમારીનું ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ નિધન થયું હતું. તેમના સન્માનમાં ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ઉપરાંત મધ્યપ્રદેશ સરકારે જબલપુરની મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં સુભદ્રા કુમારી ચૌહાણની પ્રતિમા પણ મૂકી હતી.

(3:44 pm IST)