Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાનમાં તબાહી સર્જનાર તાલીબાન છે કોણ ??

પશ્તો જુબાનમાં વિદ્યાર્થીઓને તાલીબાન કહેવાય છેઃ ૯૦'ના દાયકામાં સોવિયત સંઘ અફઘાનમાંથી સૈનિકો પરત બોલાવી રહયા હતા ત્યારે તાલીબાન ઉભરી આવ્યું હતું: ૯૮'માં ૯૦ ટકા પ્રાંત ઉપર તાલીબાન નિયંત્રણ હતું: એક સમયે અફઘાની પ્રજાએ તાલીબાનોનું સ્વાગત કરેલુઃ પાકિસ્તાન, સાઉદી અરબ અને સંયુકત આરબ અમીરાત પહેલેથી તાલીબાનો તરફ રહયા છે

કાબુલ, તા., ૧૬ : અફઘાનિસ્તાનમાં અમેરિકાના નેતૃત્વ ધરાવતી સેનાએ તાલિબાનને વર્ષ ૨૦૦૧માં સત્તામાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો પરંતુ ધીમે ધીમે આ જૂથ ખુદને મજબૂત કરતુ ગયુ અને હવે ફરી એક વખત આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે.

આશરે બે દાયકા બાદ, અમેરિકા ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૧ સુધી અફઘાનિસ્તાનમાંથી પોતાના તમામ સૈનિકને હટાવવાની તૈયારી કરી રહ્યુ છે.

દોહા સમજૂતિ

તાલિબાને અમેરિકા સાથે વર્ષ ૨૦૧૮માં વાતચીત શરૂ કરી દીધી હતી. ફેબ્રુઆરી ૨૦૨૦માં દોહામાં બન્ને પક્ષો વચ્ચે સમજૂતિ થઇ જ્યા અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને હટાવવા કહ્યુ હતું અને તાલિબાન અમેરિકન સૈનિકો પર હુમલા બંધ કરવા તૈયાર થયુ હતુ.

સમજૂતિમાં તાલિબાને પોતાના નિયંત્રણ ધરાવતા વિસ્તારમાં અલ કાયદા અને બીજા ડાબેરી સંગઠનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી અને રાષ્ટ્રીય સ્તરની શાંતિ વાતચીતમાં સામેલ થવાનો વિશ્વાસ બતાવ્યો હતો પરંતુ સમજૂતિના આવતા વર્ષે જ તાલિબાને અફઘાનિસ્તાનના સામાન્ય નાગરિકો અને સુરક્ષા દળને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યુ હતું.

હવે જ્યારે અમેરિકન સૈનિક અફઘાનિસ્તાનમાંથી વિદાય થવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તાલિબાન અફઘાનિસ્તાનમાં હાવી થઇ ગયુ છે.

ક્યારે થઇ હતી તાલિબાનની શરૂઆત

પશ્તો જુબાનમાં વિદ્યાર્થીઓને તાલિબાન કહેવામાં આવે છે. ૯૦ના દાયકાની શરૂઆતમાં જ્યારે સોવિયત સંઘ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને પરત બોલાવી રહ્યુ હતુ તે સમયમાં તાલિબાન ઉભરીને સામે આવ્યુ હતું.

માનવામાં આવે છે કે પશ્તો આંદોલન પહેલા ધાર્મિક મદ્રેસામાં ઉભર્યુ અને તેની માટે સાઉદી અરબે ફંડિગ કરી હતી. આ આંદોલનમાં સુન્ની ઇસ્લામની કટ્ટર માન્યતાઓનો પ્રચાર કરવામાં આવતો હતો.

જલ્દી તાલિબાની અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફેલાયેલા પશ્તૂન વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપનાની સાથે સાથે શરિયા કાયદાના કટ્ટરપંથી સિઝનને લાગૂ કરવાનો દાવો કરવા લાગ્યા હતા.

આ દરમિયાન દક્ષિણ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ ઝડપથી વધ્યો હતો. સપ્ટેમ્બર ૧૯૯૫માં તેમણે ઇરાનની સરહદ સાથે જોડાયેલા હેરાત પ્રાંત પર કબજો કર્યો હતો. તેના એક વર્ષ બાદ તાલિબાને અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ પર કબજો કર્યો હતો.

અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ

તે સમયે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ રહેલા બુરહાનુદ્દીન રબ્બાનીને સત્તા પરથી હટાવ્યા હતા. રબ્બાની સોવિયત સૈનિકોના અતિક્રમણનો વિરોધ કરનારા અફઘાન મુજાહિદ્દીનના સંસ્થાપક સભ્યમાં હતા.

વર્ષ ૧૯૯૮ આવતા આવતા આશરે ૯૦ ટકા અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ થઇ ગયુ હતુ. સોવિયત સૈનિકોના ગયા બાદ અફઘાનિસ્તાનના સામાન્ય લોકો મુજાહિદ્દીનના બળ પ્રયોગ અને સંઘર્ષથી કંટાળી ગયા હતા માટે પહેલા પહેલ તાલિબાનનું સ્વાગત કર્યુ હતુ.

ભ્રષ્ટાચાર પર અંકુશ, અરાજકતાની સ્થિતિમાં સુધારો, રસ્તાનું નિર્માણ અને નિયંત્રણ ધરાવતા વિસ્તારમાં બિઝનેસ ઢાંચા અને સુવિધા આપવી- આ કામોને કારણે શરૂઆતમાં તાલિબાન લોકપ્રિય પણ થયા હતા.

પરંતુ આ દરમિયાન તાલિબાને સજા આપવા માટે ઇસ્લામિક રીતને લાગુ કરી જેમાં હત્યા અને વ્યાભિચારના દોષીઓને સાર્વજનિક ફાંસી આપવી અને ચોરીના કેસમાં દોષીઓના અંગ તોડવા જેવી સજા સામેલ હતી.

પુરૂષો માટે દાઢી અને મહિલાઓ માટે આખા શરીરને ઢાકનારા બુરખાનો ઉપયોગ જરૂરી કરી દેવામાં આવ્યો હતો. તાલિબાને ટેલીવિજન, સંગીત, અને થિયેટર પર પ્રતિબંધ મુકી દીધો હતો અને ૧૦ વર્ષથી મોટી ઉંમરની યુવતીઓના સ્કૂલ જવા પર રોક લગાવી દીધી હતી.

તાલિબાન સરકારને માન્યતા આપનાર દેશ

તાલિબાન પર માનવ અધિકારના ઉલ્લંઘન અને સાંસ્કૃતિક દુર્વ્યવહાર સાથે જોડાયેલા કેટલાક આરોપ લાગવાના શરૂ થઇ ગયા હતા.

જેનો એક બદનામી ભરેલુ ઉદાહરણ વર્ષ ૨૦૦૧માં ત્યારે જોવા મળ્યુ જ્યારે તાલિબાને આંતરરાષ્ટ્રીય સ્તર પર વિરોધ બાદ પણ મધ્ય અફઘાનિસ્તાનના બામિયાનમાં બુદ્ધની પ્રતિમાને તોડી નાખી હતી.

તાલિબાનને મજબૂત કરવાના આરોપથી પાકિસ્તાન સતત ઇનકાર કરતુ રહ્યુ છે પરંતુ આ વાતમાં કોઇ શંકા નથી કે શરૂઆતમાં તાલિબાની આંદોલનથી જોડાનારા લોકો પાકિસ્તાનના મદ્રસામાંથી આવતા હતા.

અફઘાનિસ્તાન પર જ્યારે તાલિબાનનું નિયંત્રણ હતુ ત્યારે પાકિસ્તાન દુનિયાના તે ત્રણ દેશમાં સામેલ હતુ જેને તાલિબાન સરકારને માન્યતા આપી હતી. પાકિસ્તાન સિવાય સાઉદી અરબ અને સંયુકત અરબ અમીરાતે પણ તાલિબાન સરકારને સ્વીકાર કરી હતી.

તાલિબાનના નિશાના પર મલાલા યૂસુફઝાઇ

તાલિબાને પોતાના રાજકીય સબંધો તોડનારા દેશોમાં પણ પાકિસ્તાન સૌથી અંતિમ રહ્યુ હતુ. એક સમય એવો પણ આવ્યો જ્યારે તાલિબાને ઉત્તર પશ્ચિમમાં પોતાના નિયંત્રણ ધરાવતા વિસ્તારમાં પાકિસ્તાનને અસ્થિર કરવાની ધમકી પણ આપી હતી.

આ સમયમાં તાલિબાની કટ્ટરવાદીઓએ ઓકટોબર, ૨૦૧૨માં મિંગોરા નગરમાં પોતાની સ્કૂલમાંથી ઘરે પરત ફરી રહેલી મલાલા યૂસુફઝાઇને ગોળી મારી હતી. કહેવામાં આવ્યુ કે તાલિબાની શાસનના અત્યાચાર પર છદ્મ નામથી લખવાને કારણે ૧૪ વર્ષની મલાલાથી તાલિબાન નારાજ હતા. આ ઘટનામાં મલાલા ઘાયલ થઇ ગઇ હતી, તે સમયે પાકિસ્તાનમાં જ નહી પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર આ ઘટનાની ટિકા થઇ હતી.

આ ઘટનાના બે વર્ષ બાદ તાલિબાન કટ્ટરપંથીઓએ પેશાવરની એક સ્કૂલ પર હુમલો કર્યો હતો જે બાદ પાકિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ ઘણો ઓછો થઇ ગયો. વર્ષ ૨૦૧૩માં અમેરિકન ડ્રોન હુમલામાં તાલિાબનની પાકિસ્તાનમાં કમાન સંભાળી રહેલા હકીમુલ્લા મહેસૂદ સહિત ત્રણ મહત્વના નેતાઓના મોત થયા હતા.

અલ કાયદાનું ઠેકાણુ

૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧માં ન્યૂયોર્ક વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા બાદ વિશ્વભરનું ધ્યાન તાલિબાન પર ગયુ હતુ. હુમલાના મુખ્ય શંકાસ્પદ ઓસામા બિન લાદેન અને અલ કાયદાના લડાકાને શરણ આપવાનો આરોપ તાલિબાન પર લાગ્યો હતો.

સાત ઓકટોબર ૨૦૦૧માં અમેરિકાના નેતૃત્વમાં સૈન્ય ગઠબંધને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો અને ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં તાલિબાનનું શાશન ખતમ થઇ ગયુ હતુ.

વિશ્વના સૌથી મોટા તપાસ અભિયાન બાદ પણ ઓસામા બિન લાદેશ અને ત્યારે તાલિબાનના પ્રમુખ રહેલા મુલ્લા મોહમ્મદ ઉમર અને તેમના બીજા સાથી અફઘાનિસ્તાનમાંથી નીકળવામાં સફળ રહ્યા હતા.તાલિબાન જૂથના કેટલાક લોકોએ પાકિસ્તાનના કવેટા શહેરમાં શરણ લીધી હતી અને તે ત્યાથી લોકોને આદેશ આપતા હતા. જોકે, પાકિસ્તાન સરકાર કવેટામાં તાલિબાનની હાજરીનો હંમેશા ઇનકાર કરતી આવી છે.

અસુરક્ષા અને હિંસાનો માહોલ

મોટી સંખ્યામાં વિદેશી સૈનિકોની હાજરી બાદ પણ તાલિબાને ધીમે ધીમે ખુદને મજબૂત કર્યુ અને અફઘાનિસ્તાનમાં પોતાના પ્રભાવને વધાર્યો હતો. જેનું પરિણામ તે આવ્યુ કે દેશમાં અસુરક્ષા અને હિંસાનો માહોલ ફરી જોવા મળ્યો છે જે ૨૦૦૧ બાદ ક્યારેય જોવા મળ્યો નહતો.

સપ્ટેમ્બર ૨૦૧૨માં તાલિબાન લડાકાઓએ કાબુલમાં કેટલાક હુમલા કર્યા અને નેટોના કેમ્પ પર પણ હુમલો કર્યો હતો. વર્ષ ૨૦૧૩માં શાંતિની આશા ત્યારે જાગી જ્યારે તાલિબાને કતારમાં કાર્યાલય ખોલવાની જાહેરાત કરી હતી. જોકે, ત્યારે તાલિબાન અને અમેરિકન સેનાનો એક બીજા પર વિશ્વાસ નબળો હતો જેને કારણે હિંસા રોકાઇ નહતી.

ઓગસ્ટ ૨૦૧૫માં તાલિબાને સ્વીકાર કર્યુ કે સંગઠને મુલ્લા ઉમરના મોતના બે વર્ષથી વધુ સમય સુધી જાહેર થવા દીધુ નહતું. મુલ્લા ઉમરનું મોત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે પાકિસ્તાનની એક હોસ્પિટલમાં થયુ હતુ. આ મહિને જૂથ મુલ્લા મંસૂરને પોતાનો નવો નેતા ચૂંટવાની જાહેરાત કરી હતી.

અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતિ

આ દરમિયાન તાલિબાને વર્ષ ૨૦૦૧ની હાર બાદ પ્રથમ વખત કોઇ પ્રાંતની રાજધાની પર નિયંત્રણ મેળવ્યુ હતુ. રણનીતિક રીતે મહત્વના શહેર કુંડુજ પર તેમણે નિયંત્રણ મેળવી લીધુ હતુ.

મુલ્લા મંસૂરની હત્યા અમેરિકન ડ્રોન હુમલામાં ૨૦૧૬માં થઇ હતી જે બાદ સંગઠનની કમાન તેમણા ડેપ્યુટી રહેલા મૌલવી હિબ્તુલ્લાહ અખુંજાદાને સોપવામાં આવી હતી, અત્યારે તેમના હાથમાં જ તાલિબાનનું નેતૃત્વ છે.

ફેબ્રુઆરી, ૨૦૨૦માં અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતિ થઇ હતી. કેટલાક તબક્કાની વાતચીત બાદ આ સમજૂતિ થઇ હતી.

તે બાદ તાલિબાને શહેરો અને સેન્ય ઠેકાણા પર હુમલા બાદ કેટલાક ખાસ રીતના લોકોને નિશાન બનાવવાની શરૂઆત કરી હતી અને આવા હુમલાથી તેમણે અફઘાનિસ્તાનની જનતાને આતંકિત કરી હતી.

(3:43 pm IST)