Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનીસ્તાન પર તાલીબાની કબ્જો ભારત માટે મુશ્કેલીરૂપ

ત્રાસવાદને પોષતી પાકિસ્તાન સરહદ બાદ અફઘાન સરહદ 'ત્રાસવાદી બારૂ' બની શકે છે

કાબુલ, તા., ૧૬: અફઘાનીસ્તાન પર સંપુર્ણ પણે તાલીબાનનો કબ્જો થઇ ચુકયો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની ચુપચાપ પોતાના કેટલાક સાથીદારો સાથે ભાગી છુટયા છે. આ સમાચારો આવ્યા પછી તાલીબાન તરફથી  જાહેરાત કરાઇ છે કે તેણે પોતાના યોધ્ધાઓને જવાની પરવાનગી આપી દીધી છે. હવે પડકાર એ છે કે બાકીના દેશ પોતાના રાજદુતો અને નાગરીકોને ત્યાંથી કેવી રીતે બહાર કાઢશે. અમેરીકાએ પાંચ હજાર, યુકે અને કેનેડાએ કેટલાક સો સૈનીકો આ કામ માટે મોકલ્યા છે. ભારત સામે પણ આ પડકાર છે. સુત્ર દ્વારા માહીતી છે કે દિલ્હીમાં મીટીંગોનો દૌર ચાલ્યો હતો એટલે એવુ માનીએ કે ત્યાંના દુતાવાસ અને નાગરીકોને ત્યાંથી કાઢવાના વિકલ્પો પર વિચારણા થઇ હશે. આ વિકલ્પ શું છે તે તો ભારત ત્યાંથી પોતાના નાગરીકોને કાઢી લે પછી જ ખબર પડશે.

ભારતના કાબુલ દુતાવાસની એડવાઇઝરી જો જોઇએ તો સ્પષ્ટ છે કે ત્યાં ભારતીય હોવુ જોખમમાં મુકનારી ઓળખ છે.

પાકિસ્તાન તરફ ઝુકેલી તાલીબાન સરકાર અને અફઘાનીસ્તાનની જમીનનો ઉપયોગ ભારતમાં આતંકવાદીઓ હુમલાઓ  માટે કરવાની કોશીષ ભારત માટે હવે પછીના પડકારો રહેશે. જો કે તાલીબાને કહયું છે કે તે અફઘાનીસ્તાનની ભુમીનો ઉપયોગ અન્ય કોઇ દેશ સામે નહી થવા દે  પણ તેના પર વિશ્વાસ મુકવો એ મોટી ભુલ ગણાશે. તો બીજી તરફ અફઘાનીસ્તાન પર કબ્જા પછી પાકિસ્તાન પાછા આવેલા તાલીબાન યોધ્ધાઓનો ઉપયોગ પાકિસ્તાન  કાશ્મીરમાં આતંકવાદ માટે કરી શકે છે.

જો કે કેટલાક નિષ્ણાંતોનું એમ પણ માનવુ છે કે અફઘાનીસ્તાનમાં તાલીબાનનો કબ્જો પાકિસ્તાનને પણ ભારે પડી શકે છે. ભારત સામે એક સવાલ એ પણ છે કે શું તે તાલીબાન સરકારને માન્યતા આપશે? અત્યાર સુધી તેણે તાલીબાન સાથે વાતચીત થઇ હોવાનું સ્પષ્ટ રીતે નથી સ્વીકાર્યુ.

(3:42 pm IST)