Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કાબુલ એરપોર્ટ પર ફાયરીંગમાં ૫ના મોત : અનેક સ્થળે લૂંટફાટ

કાબુલમાં સ્થિતિ બેકાબુ થતા ભાગદોડ : એરસ્પેસ બંધ : દિલ્હીથી કાબુલ જતી અનેક ફલાઇટ રદ્દ

કાબુલ તા. ૧૬ : અફઘાનિસ્તાનમાં ફસાયેલા હજારો ભારતીયોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કાબુલ એરપોર્ટ પર દેશ છોડવા માટે લોકોની ભારે ભીડ ઉમટી અને આ દરમિયાન અરાજકતાનો માહોલ સર્જાયો છે. આ બધાની વચ્ચે ફાયરીંગના અહેવાલો છે. જેમાં ઓછામાં ઓછા પાંચના મોત થયા છે. આ ઘટનાઓ બાદ કાબુલમાં કોમર્શિયલ ફલાઇટો પર રોક લગાવામાં આવી છે તે કારણે ભારત આવતી અને ભારતથી કાબુલ જનારી ફલાઇટો પર રોક લગાવી દેવામાં આવી છે. બપોરે ૧૨.૩૦ વાગ્યે એર ઇન્ડિયાનું એક વિમાન દિલ્હીથી કાબુલ જવાનું હતું જે રદ્દ થઇ ગયું છે.

અફઘાનિસ્તાનમાં હાલમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરીટી તરફથી અપીલ કરવામાં આવી છે કે લોકો એરપોર્ટ પર આવે નહી સૂત્રોના જણાવ્યા મુજબ એરપોર્ટ પર અમેરિકી સૈનિકો તરફથી હવાઇ ફાયરીંગ કરવામાં આવી હતી. જેના લીધે ભાગદોડ મચી ગઇ હતી. એ જ કારણે લોકોના મોત થયા છે. અમેરિકા, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરના અનેક દેશો તેમના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે લાગ્યા છે. પરંતુ હવે એરપોર્ટ બંધ થવાના કારણે અનેક ફલાઇટો રદ્દ કરવામાં આવી અને ફલાઇટો રદ્દ થવાના કારણે ભારત સહિત તમામ દેશોની સમસ્યા વધી છે.

અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા કબજો થઇ ચૂકયો છે અને દેશમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો કાબુલ એરપોર્ટ જેવા યુદ્ઘના મેદાનમાં ફેરવાઈ ગયા છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને જતાની સાથે જ સામાન્ય લોકો પણ પોતાનો જીવ બચાવવા માટે આ એરપોર્ટ તરફ દોડ્યા હતા. આ દરમિયાન તાલિબાને જાહેરાત કરી કે અહીંથી કોમર્શિયલ ફલાઇટ્સ જશે નહીં. સાથો સાથ એરપોર્ટ પર હાજર અમેરિકન સેના પર આરોપ લાગી રહ્યો છે કે બેકાબૂ ભીડને જોઈને સેનાએ ફાયરિંગ શરૂ કર્યું.

મીડિયા રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે સેનાના ફાયરિંગમાં કેટલાક સામાન્ય લોકોને જીવ ગયા છે.સોશિયલ મીડિયા પર કેટલીય તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ઘાયલ લોકો જોવા મળી રહ્યા છે.

કેટલાંય વીડિયોમાં લોકો કાબુલ છોડવાનો પ્રયાસ કરતા એકની ઉપર એક ચઢતા જોવા મળ્યા હતા. એરપોર્ટ પર અંધાધૂંધીને જોતા અહીંથી કોમર્શિયલ ફલાઇટ્સ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તાલિબાને લોકોને તેમના ઘરોમાં રહેવાનું કહ્યું છે. એક પ્રત્યક્ષદર્શીએ એએફપીને જણાવ્યું કે અમેરિકન લશ્કર હવામાં ગોળીઓ ચલાવી રહ્યું છે, જેનાથી તેઓ અત્યંત ડરી ગયા છે. તે જ સમયે કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નાસભાગને કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે.

(3:41 pm IST)