Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ભારત-પાક વિવાદમાં નથી પડવું: ભારતના ડિપ્લોમેટસ અફઘાનિસ્તાનમાં એકદમ સુરક્ષિત રહેશે અને કોઈએ ડરવાની જરૂર નથી

અમે તો ભારત સાથે મિત્રતા ઈચ્છીએ છીએઃ તાલિબાન

કાબુલ, તા.૧૬: અફઘાનિસ્તાનમાં સર્જાયેલી અફરાતફરીની વચ્ચે તાલીબાની પ્રવકતા જબીહુલ્લા મુજાહિદે કહ્યું કે અમે ભારતની સાથે સારો સંબંધ બનાવવા માંગીએ છીએ. તમામ રાજદૂત અહીં સુરક્ષિત રહેશે. કોઈએ પણ દેશ છોડીને જવાની જરૂર નથી. તાલિબાન પ્રવકતા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે અમે ભારત સાથે સારો અને મજબૂત સંબંધ ઈચ્છીએ છીએ. તમામ રાજદૂત અહીં સુરક્ષિત રહેશે. કોઈએ પણ દેશ છોડવાની જરૂર નથી.

એક તરફ તાલિબાનને ભારત સાથે સારો સંબંધ જોઈએ છીએ, બીજી તરફ ભારત-પાકિસ્તાનના તણાવ અંગે તેને કઈ જ કહેવું નથી. તાલિબાને ભાર આપતા કહ્યું કે તેણે ભારત-પાકિસ્તાન વિવાદમાં હસ્તક્ષેપ કરવો નથી. બંને દેશોની પરસ્પરની સમસ્યા છે. તાલિબાન તેમાં કોઈ ભૂમિકા નિભાવશે નહિ.

પડોશી હોવાના સંબંધે ભારતે હમેશા કહ્યું છે કે તે અફઘાનિસ્તાનમાં લોકશાહીને સશકત કરવામાં અને શાંતિ સ્થાપિત કરવામાં મહત્ત્વનું યોગદાન નિભાવી શકે છે. જોકે તાલિબાને સતત આ પહેલનો વિરોધ કર્યો છે. આ કારણે જયારે તાલિબાન ભારત સાથે સારા સંબંધની વાત કરે છે તો તેની દાનત પર ઘણા પ્રકારના સવાલ સર્જાય છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન તાલિબાને અફઘાનિસ્તાનના ભવિષ્ય પર વિગતે વાત કરી છે. કહ્યું કે તાલિબાન રાજમાં મહિલાઓને ભણવા માટે તક આપવામાં આવશે. તે બહાર જઈને કામ પણ કરી શકશે. બસ શરત એટલી છે કે તમામ મહિલાઓ શરિયાનું સખ્ત રીતે પાલન કરશે. સાથે જ તેમણે બુરખો ફરજિયાત પહેરવો પડશે.

(3:40 pm IST)