Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

જશ્ન-એ-આઝાદી... આવતા ૨૫ વર્ષ દેશ માટે અમૃતકાળ : આપણે નવા સંકલ્પો સાથે આગળ વધવાનું છે

લાલકિલ્લેથી 'નયા ભારત'ના વિકાસના રોડમેપનું એલાન

વડાપ્રધાને લાલ કિલ્લા પરથી લહેરાવ્યો ત્રિરંગો : દેશને સંબોધન : ૧૦૦ લાખ કરોડની યોજનાનું એલાન : હવે સૈનિક સ્કુલોમાં બેટીઓને પણ પ્રવેશ : ૭૫ વંદેમાતરમ ટ્રેનો દોડાવાશે : જમ્મુ-કાશ્મીરમાં વ્હેલીતકે ચૂંટણી યોજાશે : બધી હોસ્પિટલોમાં ઓકસીજન પ્લાન્ટ : ચીન - પાકિસ્તાનને આકરો સંદેશ આપ્યો : વિસ્તારવાદ અને આતંકવાદનો મુકાબલો કરાશે ૮મી વખત લાલકિલ્લાની અટારીએથી સંબોધન : ૯૦ મિનિટના સંબોધનમાં ૬૬ વખત ભારત તથા ૨૯ વખત કિસાન શબ્દનો ઉપયોગ

નવી દિલ્હી તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના ૭૫ વર્ષમાં વર્ષને એક સમારોહ સુધી જ સીમિત નહિ રાખવાની અપીલ કરી છે. સ્વતંત્રતા દિવસે લાલકિલ્લા પરથી દેશને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, આવતા ૨૫ વર્ષ દેશ માટે અમૃતકાળ છે અને આપણે નવા સંકલ્પો સાથે આગળ વધવાનું છે કે, જેથી આઝાદીના ૧૦૦ વર્ષ ગૌરવપૂર્ણ બને. વડાપ્રધાને કહ્યું હતું કે, અમૃતકાળનું લક્ષ્ય દેશમાં સુવિધાઓની ભરમાર સાથે છે. દેશને વધુ શ્રેષ્ઠ બનાવવાનો આ સમય છે. તેમણે આવતા ૨૫ વર્ષમાં વિકાસનું ૧૦૦ ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે મહત્વાકાંક્ષી રોડમેપની જાહેરાત કરી હતી. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના પોતાના મૂળ મંત્રમાં 'સૌનો પ્રયાસ'નો નવો મંત્ર સામેલ કરી તેમણે આ દિશામાં માળખાકીય વિકાસ અને રોજગારીની નવી તકોના નવા સ્કેલ અને તેને સ્પીડ આપવા માટે ૧૦૦ લાખ કરોડની 'પ્રધાનમંત્રી ગતિ શકિત' મિશનની રૂપરેખા રજુ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૫માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધિત કરતાં આવનારા સમયમાં વિકાસની રૂપરેખા ખેંચી છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, અમૃત મહોત્સવના ૭૫ સપ્તાહમાં દેશમાં પ્રત્યેક સપ્તાહે એક વંદે ભારત ટ્રેન શરૂ થશે, એટલે કે ૭૫ સપ્તાહમાં ૭૫ વંદે ભારત ટ્રેનોની સુવિધા દેશવાસીઓને મળવા જઈ રહી છે.

પીએમ મોદી એ તેની સાથોસાથ દેશની તમામ સૈનિક સ્કૂલોમાં દીકરીઓને પણ એડમિશન આપવાની જાહેરાત કરી છે. લાલ કિલ્લાની પ્રાચીરથી પીએમ મોદીએ કહ્યું કે, હવે સરકારે નિર્ણય લીધો છે કે દેશની તમામ સૈનિક સ્કૂલોને દેશની દીકરીઓ માટે પણ ખોલી દેવામાં આવશે.

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના ૭૫ સપ્તાહમાં ૭૫ વંદે માતરમ ટ્રેનો દેશના દરેક ખૂણાને પરસ્પર જોડવા જઇ રહી હશે. આજે જે ગતિથી દેશમાં નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. ઉડાન યોજના છેવાડાના વિસ્તારોને જોડી રહી છે, જે પણ અભૂતપૂર્વ છે.

૨. પીએમ મોદીએ કહ્યું કે, મને અનેક ભલામણો મળી હતી કે દીકરીઓને પણ સૈનિક સ્કૂલમાં ભણાવવી જોઈએ. બે-અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કૂલમાં પ્રયોગ તરીકે દીકરીઓને એડમિશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દેશની તમામ સૈનિક સ્કૂલોમાં દીકરીઓને પણ એડમિશન થઈ શકશે. તેને દીકરીઓ માટે ખોલી દેવામાં આવશે.

૩. વડાપ્રધાને કહ્યું કે, આપણે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યા છીએ, પરંતુ ભાગલાનું દર્દ આજે પણ દરેક હિન્દુસ્તાનીના હૃદયને ઘાયલ કરે છે. તે ગઈ શતાબ્દીની સૌથી મોટી ત્રાસદી પૈકી એક છે. કાલે જ દેશે ભાવુક નિર્ણય લીધો છે. હવેથી ૧૪ ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના રૂપમાં યાદ કરવામાં આવશે.

૪. પીએમ મોદીએ કહ્યું કે, જમ્મુ હોય કે કાશ્મીર. વિકાસનું સંતુલન હવે જમીન પર જોવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ડી-લિમિટેશન કમીશનની રચના થઈ ચૂકી છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પણ તૈયારી ચાલી રહી છે. લદાખ પણ પોતાની અસલી સંભાવનાઓની તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ લદાખ, આધુનિક ઇન્ફ્રાસ્ટકચરનું નિર્માણ થતું જોઈ રહ્યું છે તો બીજી તરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી લદાખને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બનાવવા જઈ રહી છે.

૫. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, નાના ખેડૂતો પર અત્યાર સુધી ધ્યાન નથી આપવામાં આવ્યું. કૃષિ સેકટરના પડકારો પર ધ્યાન આપવું પડશે. ખેડૂતોની જમીન સતત નાની થઈ રહી છે. ૮૦ ટકા ખેડૂતોની પાસે ૨ હેકટરથી ઓછી જમીન છે. વડાપ્રધાન મોદીએ ૮૦ ટકા ખેડૂતોના ઉત્થાનનો નારો આપતા કહ્યું, 'નાના ખેડૂતો બને દેશની શાન.' પહેલા જે દેશમાં નીતિઓ બની, તેમાં આ નાના ખેડૂતો પર જેટલું ધ્યાન કેન્દ્રીત કરવું જોઈતું હતું, તેટલું થયું નહીં, જે હવે થઈ રહ્યું છે. હવે નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

૬. વડાપ્રધાન મોદીએ અમૃત મહોત્સવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ ગૌરવ કાળ તરફ લઈ જશે. મોદીએ કહ્યુ, અમૃતકાળ ૨૫ વર્ષનો છે. પરંતુ આટલો લાંબો ઈંતજાર નથી કરવાનો. અત્યારથી લાગી પડવાનું છે. આ જ સમય છે. યોગ્ય સમય છે. આપણે પોતાની જાતને બદલવાની છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખૂબ જરૂરી છે.

૭. લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું કે, ભારતને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથોસાથ ઇન્ફ્રાસ્ટ્રકચર નિર્માણમાં હોલિસ્ટિક અપ્રોચ અપનાવવાની જરૂર છે. ભારત આવનારા થોડા સમયમાં જ પ્રધાનમંત્રી ગતિશકિત-નેશનલ માસ્ટર પ્લાનને લોન્ચ કરવા જઈ રહ્યું છે.

૮. નોર્થ ઈસ્ટના વિકાસ અંગે પીએમ મોદીએ કહ્યું કે, આપણા પૂર્વ ભારત, નોર્થ ઈસ્ટ, જમ્મુ-કાશ્મીર, લદાખ સહિત સમગ્ર હિમાલયના ક્ષેત્રને, આપણા કોસ્ટલ બેલ્ટ કે પછી આદિવાસી વિસ્તારો હોય, તે ભવિષ્યમાં ભારતના વિકાસનો મોટો આધાર બનશે. આજે નોર્થ ઈસ્ટમાં કનેકિટવીટીનો નવો ઈતિહાસ લખવામાં આવી રહ્યો છે. આ કનેકટીવિટી દિલોનું પણ છે અને ઇન્ફ્રાસ્ટ્રકચરનું પણ છે. ખૂબ ઝડપથી નોર્થ ઈસ્ટના તમામ રાજયોના પાટનગરોને રેલસેવા સાથે જોડવાનું કામ પૂરું થવાનું છે.

૯. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે, કેન્દ્ર સરકાર પોતાની અલગ-અલગ યોજનાઓ હેઠળ જે ચોખા ગરીબોને આપે છે, તેને ફોર્ટફાઇ કરશે. ગરીબોને પોષણયુકત ચોખા પૂરા પાડવામાં આવશે. રાશનની દુકાન, મિડ ડે મીલમાં મળનારા ચોખા હોય કે કયાંય પણ ૨૦૨૪ સધીમાં દરેક યોજના હેઠળ મળનારા ચોખા પોષણયુકત (ફોર્ટિફાઇ) થશે.

૧૦. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગામમાં જે આપણી સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી ૮ કરોડથી વધુ બહેનો છે, તેઓ એક-એકથી ચડીયાતી પ્રોડકટ્સ બનાવે છે. આ પ્રોડકટ્સને દેશમાં અને વિદેશમાં મોટું બજાર મળે, તેના માટે હવે સરકાર ઇ-કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે.

(11:01 am IST)