Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાન રિટર્ન્સ

સમગ્ર અફઘાનિસ્તાન ઉપર તાલિબાનનો કબ્જો : જંગ સમાપ્ત થયાનું એલાન : લોકો ઘરોમાં કેદ : કાબુલ એરપોર્ટ બંધ : લોકોમાં દહેશત : રાષ્ટ્રપતિ અશરફ ગની અને ટોચના નેતાઓ દેશ છોડી ભાગી ગયા : નાગરિકો પણ ડરના માર્યા ભાગવા લાગ્યા : યુનોની તાકીદની બેઠક : દેશનું નવું નામ રાખ્યું 'ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન'

કાબુલ એરપોર્ટ પર અંધાધૂંધીના દ્રશ્યોઃ દેશ છોડવા લોકોમાં હોડ લાગીઃ વિમાનમાં ચડવા ધક્કામુક્કી

કાબુલ તા. ૧૬ : સમગ્ર અફઘાનિસ્તાન ઉપર હવે તાલિબાનોનો કબ્જો થઇ ગયો છે. વિદ્રોહી જુથે કાબુલ અને રાષ્ટ્રપતિ ભવનને પોતાના કબ્જામાં લઇ લેતા રાષ્ટ્રપતિ અશરફ ગની અને ટોચના નેતાઓ દેશ છોડી ભાગી ગયા છે. તાલિબાનોએ જંગ સમાપ્ત થયાનું એલાન કરી દેશનું નવું નામ 'ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન' રાખ્યું છે. લોકોને આવતીકાલ સુધી ઘરોમાં જ રહેવા એલાન થયું છે. કાબુલ એરપોર્ટ પર અફડાતફડી મચી જતાં તે બંધ કરાયું છે. ડર અને દહેશતના માર્યા સામાન્ય લોકો પણ દેશ છોડી ભાગી રહ્યા છે. દેશની સ્થિતિ બેકાબુ બની રહી છે. દેશ ૧૦ વર્ષ પાછળ ચાલ્યો ગયો છે. દુકાનો બંધ છે, એરપોર્ટ તરફ જતા રસ્તા પર કતારો છે, લોકો સુરક્ષિત જગ્યાએ જવા લાગ્યા છે. દરમિયાન આજે યુનોની તાકીદની બેઠક મળી છે. જેનું અધ્યક્ષ પદ ભારત સંભાળી રહ્યું છે. દેશમાં અરાજકતાનું વાતાવરણ ફેલાયું છે તે અંગે બેઠકમાં ચર્ચા થશે.

તાલિબાને ફરીથી અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લીધો છે. તાલિબાનીએ સવારથી જ કાબુલની ઘેરાબંધી કરી હતી. પછી જ્યારે તેઓ કાબુલમાં ઘુસ્યા તો અફઘાનિસ્તાનની સેનાએ શરણાગતિ સ્વીકારી લીધી. ત્યાર પછી સરકાર અને તાલિબાનના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત થઇ અને રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ચાલ્યા ગયા. ગની તાજીકીસ્તાન ગયાના સમાચાર છે. જો કે ઓફીશ્યલી તેની પુષ્ટ નથી થઇ. ગનીની સાથે જ ઉપરાષ્ટ્રપતિ સહિત અન્ય કેટલાય ટોચના નેતાઓના દેશ છોડીને જવાના સમાચાર છે. તાલિબાનના ક્રુર શાસન અને અનિશ્ચિીતતાથી ગભરાયેલ સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં દેશ છોડી રહ્યા છે.

આ દરમિયાન તાલિબાનના પ્રવકતા જબીહુલ્લા મુજાહીદે કહ્યું છે કે તેના લડવૈયાઓને કાબુલમાં લૂંટફાટ રોકવાનું કહેવાયું છે. કેમકે પોલિસ પોતાની પોસ્ટ છોડીને ચાલ્યા ગયા છે. તાલિબાને સત્તા હસ્તાંતરણને શાંતિપૂર્ણ ગણાવ્યું છે પણ કાબુલની એક હોસ્પિટલે ટ્વીટર પર કહ્યું કે, રાજધાનીના બહારના કરાબાગ વિસ્તારમાં થયેલ સંઘર્ષમાં ૪૦થી વધારે લોકો ઘાયલ થયા છે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે એ નથી જણાવ્યુું કે, ગની કયાં ગયા છે. પણ દેશના આંતરિક મંત્રાલયના એક સીનીયર અધિકારીએ ગની તાજીકીસ્તાન ગયાનું કહ્યું છે. અફઘાનિસ્તાની રાષ્ટ્રીય સુલેહ પરિષદના પ્રમુખ અબ્દુલ્લાએ એક ઓનલાઇન વીડીયો સંદેશમાં ગની દેશ છોડી ગયાની પુષ્ટ કરી છે. તેમણે કહ્યું કે, તેમણે મુશ્કેલ સમયમાં દેશને છોડી દીધો છે. ખુદા તેમને જવાબદાર ગણશે.

તાલિબાને લોકોને શાંત કરવાના પ્રયાસો કર્યા છે. તાલિબાને કહ્યું કે, તેના સૈનિકો લોકોના ઘરમાં નહી ઘુસે અથવા ધંધામાં હસ્તક્ષેપ નહીં કરે. તેમણે કહ્યું કે, તેમણે અફઘાન સરકાર અથવા વિદેશી દળો સાથે કામ કરનારા લોકોને માફ કર્યા છે. આ આશ્વાસનો છતાં ગભરાયેલા લોકો કાબુલ એરપોર્ટથી દેશ છોડવાની તૈયારીમાં છે. તાલિબાનોએ દરેક બોર્ડર ચોકી પર કબ્જો જમાવ્યો હોવાના કારણે દેશમાંથી ભાગવાનો આ એક જ માર્ગ બચ્યો છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનના જે વિસ્તારો પર કબ્જો કર્યો છે ત્યાં મ્હિલાઓના અધિકારો છીનવી લેવાયા છે. તાલિબાની આતંકવાદીઓ મહિલાઓ અને છોકરીઓને જબરદસ્તીથી ઉઠાવી જઇને તેમની સાથે લગ્ન કરી રહ્યા છે.

(11:18 am IST)