Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ આખરે ૫૨ કરોડ રૂપિયામાં વેચાયું

ખાનગી ડેવલપર સેટરન રિયલ્ટર્સે ખરીદ્યું : અગાઉ તેને ૮ વખત વેચવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો

મુંબઇ,તા. ૧૬: કિંગફિશર હાઉસ જે વિજય માલ્યાની નાદાર કંપની કિંગફિશરનું મુખ્ય મથક હતું, આખરે અનેક પ્રયત્નો પછી વેચાઈ ગયું છે. તેને હૈદરાબાદ સ્થિત ખાનગી ડેવલપર સેટર્ન રિયલ્ટર્સે ૫૨ કરોડ રુપિયામાં ખરીદ્યું છે.અગાઉ પણ વિજય માલ્યાના લેણદારોએ કિંગફિશર હાઉસ વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લીલામીમા રિઝર્વ પ્રાઈસ ઊંચી રાખવાને કારણે આ સોદો થઈ શકયો ન હતો.

વિજય માલ્યાની મિલકતોની હરાજીમાં ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. માલ્યાની મિલકતોનું બેંકો દ્વારા જે મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, તે કિંમતે કોઈ મિલકત ખરીદવામાં તૈયાર નથી. કિંગફિશર હાઉસ પ્રોપર્ટીની હરાજી પણ ૮ વખત નિષ્ફળ રહી હતી. માર્ચ ૨૦૧૬ માં બેંકોએ આ બિલ્ડિંગની રિઝર્વ પ્રાઈસ ૧૫૦ કરોડ રુપિયા રાખી હતી. આ જ કારણ છે કે આ ઇમારત અત્યાર સુધી વેચાઈ નહોતી.

આ બિલ્ડિંગમાં બેઝમેન્ટ, એક ગ્રાઉન્ડ ફ્લોર, એક અપર ગ્રાઉન્ડ ફ્લોર અને એક અપર ફ્લોર છે. આ ઇમારતનો સમગ્ર વિસ્તાર આશરે ૧૫૮૬ ચોરસ મીટર છે. જે ૨,૪૦૨ ચોરસ મીટરના પ્લોટ પર બાંધવામાં આવ્યો છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, બેંકોએ તેની યોગ્ય કિંમત રાખી ન હતી. આ બિલ્ડિંગ મુંબઈ એરપોર્ટની બહારની હદમાં આવેલું છે, જેનાથી તેના વિકાસ માટે વધારે અવકાશ નથી.

વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સની સેવાઓ ચાલુ રાખવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત અન્ય બેંકો પાસેથી આશરે ૯,૯૯૦ રુપિયાની લોન લીધી હતી. કંપનીની ખરાબ હાલતને કારણે માલ્યા બેન્કોને નાણાં પરત કરી શકયા નહીં. માલ્યાની કિંગફિશર એરલાઈન્સ ૨૦૧૨ માં બંધ થઈ ગઈ હતી. આ વર્ષે જુલાઈમાં લંડન હાઈકોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યા હતા અને હવે માલ્યાને ભારત પરત લાવવાનો રસ્તો સાફ થતો જણાઈ રહ્યો છે.

(10:09 am IST)