Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

હૈતીમાં ૭.૨નો શકિતશાળી ભૂકંપ : ૩૦૪નાં મોત : ૧,૮૦૦ ઘાયલ

ધરતીકંપમાં સેંકડો ઘર નાશ પામ્યા હતા અને કાટમાળ હેઠળ અનેક લોકો દટાયા હતા

લેસ કાયેસ (હૈતી),તા.૧૬: હૈતીમાં ૭.૨ની તીવ્રતાવાળા શકિતશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા ૩૦૪ જણ માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા ૧,૮૦૦ જણ દ્યાયલ થયા હતા.

ધરતીકંપમાં સેંકડો ઘર નાશ પામ્યા હતા અને કાટમાળ હેઠળ અનેક લોકો દટાયા હતા.

કેરિબિયન ટાપુના આ ગરીબ રાષ્ટ્રમાં ભૂકંપને લીધે લોકો દ્યર અને અન્ય ઇમારતોમાંથી રસ્તા પર દોડી ગયા હતા.ધરતીકંપમાં તૂટી પડેલા દ્યરો, હાઙ્ખટેલો અને અન્ય ઇમારતોના કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી મોટા પાયે હાથ ધરાઇ હતી.

નૈઋર્ત્ય હૈતીમાં શનિવારે ધરતીકંપને લીધે અનેક સ્થળે ભેખડો ધસી પડી હતી.

ગરીબ દેશ હૈતીમાં કોવિડ-૧૯ના રોગચાળા, પ્રમુખની હત્યા, વધતી ગરીબી જેવી અનેક સમસ્યા હાલમાં છે અને આ ધરતીકંપથી મુશ્કેલીમાં ભારે વધારો થયો છે.

યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ધરતીકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ-ઓફ-પ્રિન્સની પશ્ર્ચિમમાં અંદાજે ૧૨૫ કિલોમીટર (૭૮ માઇલ) દૂર હતું.

હૈતીમાં આવતા સપ્તાહની શરૂઆતમાં એટલે કે સોમવારે રાતે કે મંગળવારે સવારે વાવાઝોડાની પણ આગાહી કરાઇ છે.

હૈતીમાં શનિવારે શકિતશાળી ધરતીકંપ બાદ અનેક પાછોતરા આંચકા લાગ્યા હતા અને તેથી લોકો પોતાનું દ્યર તૂટી પડવાના ડરથી અંદર જતાં ડરે છે અને ખુલ્લામાં કે રસ્તા પર રહે છે.

વડા પ્રધાન એરિયલ હેન્રીએ જણાવ્યું હતું કે ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય મોકલાઇ રહી છે. હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં ઘાયલો દાખલ થઇ રહ્યા છે.

ઘાયલોને લેસ કાયેસથી પોર્ટ-ઓફ-પ્રિન્સ લઇ જવા માટે ખાનગી વિમાનનો પણ ઉપયોગ કરાઇ રહ્યો છે.

વડા પ્રધાન એરિયલ હેન્રીએ આખા દેશમાં એક મહિનાની કટોકટી જાહેર કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે અમને જયાં સુધી નુકસાનનો અંદાજ ન આવે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય મદદ નહિ માગીએ.

(10:08 am IST)