Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ટ્વિટરે રાહુલ ગાંધીનું અકાઉન્ટ ફરી શરૂ કર્યું

નવી દિલ્હી,તા.૧૬: દિલ્હીની નવ વર્ષની બળાત્કાર પીડિતાનાં પરિવારજનોની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવાને મામલે ટ્વિટરે રાહુલ ગાંધી તેમ જ કોંગ્રેસના અન્ય નેતાઓનું અકાઉન્ટ કામચલાઉ રીતે સસ્પેન્ડ અને ત્યાર બાદ લોક કર્યું હતું.

જોકે, શનિવારે ટ્વિટરે રાહુલ ગાંધી સહિત અન્ય કોંગ્રેસી નેતાઓના અકાઉન્ટ ફરી શરૂ કર્યા બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 'સત્યમેવ જયતે'.

રાહુલ ગાંધીનું ટ્વિટર અકાઉન્ટ અનલોક કરવામાં આવ્યું હોવાનું પક્ષના કાર્યકર્તાઓએ કહ્યું હતું.

અકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યા બાદ પક્ષના અમુક કાર્યકર્તાઓએ 'ટ્વિટરનાં પાખંડ વિરુદ્ઘ અવાજ ઉઠાવો'હેશટેગ ચલાવ્યો હતો અને કહ્યું હતું કે ટ્વિટર જવાબદારીપૂર્વક વર્તે એવી માગણી ભારતના લોકો કરી રહ્યા છે.

બળાત્કારની પીડિતા માટે ન્યાયની અને મોદી સરકારના ભયને કારણે અમારા રાજકારણમાં દખલગીરી ન કરવાની માગણી કરવા બદલ લોક કરવામાં આવેલા અમારા ટ્વિટર અકાઉન્ટ રિસ્ટોર કરવાની અમે માગણી કરી હતી, એમ કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું.

કોંગ્રેસ સાથેનાં ઘર્ષણને પગલે ટ્વિટરે ભારતસ્થિત કંપનીના વડા મનિષ મહેશ્રરીની ટ્રાન્સફર કરી હતી.

(10:07 am IST)