Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ચીનથી આયાત ઘટાડવા મોહન ભાગવતની હાકલ

ચીન પર આધાર રાખવાનું વધારતા રહીશું, તો એક સમય એવો આવશે કે આપણે ચીન સામે ઝૂકી જવું પડશે

મુંબઈ,તા.૧૬:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે આપણે જો (માલ, સાધનસામગ્રી અને ટેકનોલોજી માટે) ચીન પર આધાર રાખવાનું વધારતા રહીશું, તો એક સમય એવો આવશે કે આપણે ચીન સામે ઝૂકી જવું પડશે.

મોહન ભાગવતે રવિવારે ૭૫મા સ્વાતંત્ર્ય દિને મુંબઈની એક શાળામાં ધ્વજવંદન કર્યા બાદ હાજર લોકોને સંબોધતા જણાવ્યું હતું કે 'સ્વદેશી'નો અર્થ દેશના નિયમને આધીન રહીને વ્યાપાર કરવો. આપણે ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો બહુ ઉપયોગ કરી રહ્યા છીએ. આપણા દેશની પાસે ઘણી ઓરિજિનલ (મૂળ) ટેકનોલોજી નથી અને તેની આયાત કરીએ છીએ.

તેમણે જણાવ્યું હતું કે અમે ચીનના વિરોધમાં અને ચીનના માલ-સામાનનો બહિષ્કાર કરવા લોકોને બહુ જ સમજાવીએ છીએ, પરંતુ મોબાઇલ ફોનની મોટા ભાગની સામગ્રી પણ ચીનથી આયાત કરાય છે. જો ચીન પર વધુ નિર્ભર રહીશું, તો પછી એક સમય એવો આવશે કે આપણે ચીનની સામે ઝૂકી જવું પડશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું કે દેશની 'આર્થિક સલામતી'ઘણી જરૂરી છે. દેશમાં ટેકનોલોજીની આયાત રાષ્ટ્રના નિયમ-કાયદાને જ આધીન હોવી જોઇએ. દેશે સ્વ-નિર્ભર બનવાની જરૂર છે.

તેમણે જણાવ્યું હતું કે 'સ્વદેશી'નો અર્થ બધી આયાત બંધ કરવાનો નથી થતો, પરંતુ આ આયાત આપણા કાયદા-નિયમને આધીન હોવી જોઇએ.

મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું કે આપણે જે વસ્તુ દેશમાં બનાવી શકતા હોઇએ, તે વિદેશથી આયાત કરવી ન જોઇએ. દેશમાં જ શ્રેષ્ઠ ગુણવત્ત્।ાવાળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકે એવી ચીજો બનાવવી જોઇએ.

તેમણે ગ્રામીણ ક્ષેત્રે માલ-સામાનનું ઉત્પાદન અને રોજગારી વધારવા વિવિધ પગલાં લેવા પર ભાર આપ્યો હતો.

(10:05 am IST)