Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

સંસદમાં કાયદાઓ ચર્ચા વગર જ પસાર થાય છે : ચિંતા અને દુઃખની બાબત છે

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.વી.રમન્નાએ સંસદની કાર્યવાહી પર નારાજગી વ્યકત કરી છે

નવી દિલ્હી,તા.૧૬: આઝાદીની ઉજવણી પ્રસંગે દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.વી. રમન્નાએ   સંસદની કાર્યવાહી પર નારાજગી વ્યકત કરી છે. સંસદમાં થયેલા હંગામાનો ઉલ્લેખ કરતાં તેમણે સંસદીય ચર્ચાઓ અંગે ચિંતા વ્યકત કરી અને કહ્યું કે, સંસદમાં હવે ચર્ચા થતી નથી. અગાઉના સમય સાથે તેની સરખામણી કરતાં ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ કહ્યું કે, જયારે સંસદના બન્ને ગૃહ વકીલોથી ભરાયેલા હતા, પરંતુ હવે હાલની સ્થિતિ અલગ છે. તેમણે કાનૂની સમુદાયના લોકોને પણ જાહેર સેવા માટે સમય ફાળવવા કહ્યું છે.

સીજેઆઇ રમન્નાએ સ્વતંત્રતા દિવસે સુપ્રીમ કોર્ટમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, જો આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પર નજર કરીએ તો તેમાંથી ઘણા કાનૂની સમુદાયના પણ હતા. પ્રથમ લોકસભા અને રાજયસભાના સભ્યો વકીલોના સમુદાયથી ભરેલા હતા.

તેમણે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે હવે આપણે ગૃહોમાં શું જોઈ રહ્યા છીએ. ત્યારે ગૃહોમાં ચર્ચા ખૂબ રચનાત્મક હતી. મેં દ્યણા નાણાકીય બિલ પર ચર્ચાઓ પણ જોઈ છે, જયાં ખૂબ રચનાત્મક મુદ્દાઓ બનાવવામાં આવ્યા હતા. ત્યારે કાયદાઓ ચર્ચા કરાઇ અને વિચાર-વિમર્શ કરાયું.  ત્યારે ચર્ચા બાદ દરેક પાસે તે કાયદા પર સ્પષ્ટ ચિત્ર હતું.

હાલની સ્થિતિને ખેદજનક પરિસ્થિતિ ગણાવતા CJIએ કહ્યું કે, અત્યારે કોઈ યોગ્ય ચર્ચા થતી નથી. કાયદાઓની સ્પષ્ટતા નથી. અમને ખબર નથી કે કાયદાનો હેતુ શું છે. આ જનતા માટે એક નુકસાન છે. આ ત્યારે થઇ રહ્યું છે, જયારે વકીલ અને બુદ્ઘિજીવી ગૃહોમાં નથી.

(10:02 am IST)