Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાની રાષ્ટ્રપતિ ભવન તાલિબાનના કબ્જામાં: - કોઈ ટ્રાન્ઝિશનલ સરકાર બનાવવા કર્યો ઇન્કાર

રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યા બાદ અફઘાન રાજધાનીમાં ભારે ગભરાટ :કાબુલમાં અનેક જગ્યાએ ગોળીબારીના અહેવાલ : એરપોર્ટ સહિત આખા કાબુલમાં સુરક્ષાની સ્થિતિ બદલાઇ

કાબુલ : કાબુલનો કબજો જમાવ્યા બાદ તાલિબાનોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે વચગાળાની કોઈ સરકારની અમારી ઈચ્છા નથી.  તાલિબાન કાબુલમાં પ્રવેશ્યા બાદ અને રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યા બાદ અફઘાન રાજધાનીમાં ભારે ગભરાટ ફેલાયો છે.

અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડ્યા પછી તાલિબાને હવે રાષ્ટ્રપતિ ભવનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું કે, તાલિબાની અધિકારીઓએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં કોઈ ટ્રાન્ઝિશનલ સરકાર બનશે નહીં. અત્યાર સુધી એવા સમાચાર આવી રહ્યાં હતા કે, તાલિબાન અને અફઘાનિસ્તાન વચ્ચે એક ટ્રાન્ઝિશનલ સરકાર બનાવવાની વાતચીત થઈ રહી છે. જોકે, ગનીના દેશ છોડ્યા પછી સ્થિત બદલાઇ ગઈ છે.

તાલિબાનના બે અધિકારીઓએ રોયટર્સને કહ્યું છે કે, કોઈ ટ્રાન્ઝિશનલ સરકાર બનાવવામાં આવશે નહીં. બે વરિષ્ઠ તાલિબાન કમાન્ડરોએ કહ્યું કે, કાબૂલ સ્થિત રાષ્ટ્રપતિ ભવનનું નિયંત્રણ હવે સમૂહ પાસે છે.

જોકે, અફઘાન સરકારે રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનના કબજાની પુષ્ટિ કરી નથી. જ્યારે કાબૂલમાં તાલિબાનની એન્ટ્રી બાદ મચેલી અફરા-તફરી પછી અમેરિકાએ પોતાના દૂતાવાસથી રાજદ્વારીઓને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત નિકાળ્યા હતા.

કાબૂલ સ્થિત અમેરિકન દૂતાવાસે એક એલર્ટ બહાર પાડીને જણાવ્યું કે, અફઘાન રાજધાનીમાં સ્થિતિ એકદમ ઝડપી રીતે બદલાઇ રહી છે. દૂતાવાસે કાબૂલમાં ફસાયેલા અમેરિકન નાગરિકોને સુરક્ષિત જગ્યાએ પહોંચવા માટે કહ્યું છે.

અમેરિકન દૂતાવાસ ખાલી કરી દેવામાં આવ્યો છે અને તે હવે કંટ્રોલ એરપોર્ટથી કામ કરી રહ્યું છે. દૂતાવાસે કહ્યું- એરપોર્ટ સહિત આખા કાબુલમાં સુરક્ષાની સ્થિતિ બદલાઇ રહી છે. એરપોર્ટ ઉપરથી ફાયરિંગના સમાચાર છે.

(12:00 am IST)