Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

તાલિબાનના કબ્જા બાદ હજારો લોકો કાબુલ છોડવા મજબુર : તમામ રસ્તા પર વાહનોની લાંબી લાઈન : આખા શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ

દરેક લોકો જીવ બચાવવા ભાગતા હોય તેવો નજારો : ભારે અફરાતફરીનો માહોલ

કાબુલ :  અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનોએ પ્રવેશ કર્યો તે સાથે જ તાલિબાને શહેર પર કબજો મેળવી લીધો છે. રવિવારે અલી અહમદ જલાલીની નવી વચગાળાની સરકારના વડા તરીકે પસંદગી કરવામાં આવી છે.

તાલિબાનને સત્તા ટ્રાન્સફર કરવા માટે અફઘાનિસ્તાનના પ્રેસિડેન્શિયલ પેલેસમાં વાટાઘાટા પછી તાલિબાનના કબજા બાદ કાબુલની મુશ્કેલીઓ વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો પોસ્ટ કરીને લોકો અહીંની નવીનતમ પરિસ્થિતિ વિશે જણાવી રહ્યા છે.

ઓબૈદુલ્લાહ રહીમી મશવાણી નામના ટ્વિટર યુઝરે વીડિયો પોસ્ટ કર્યો છે. તે કાબુલની તાજેતરની સ્થિતિ દર્શાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શહેરના તમામ રસ્તાઓ પર વાહનોની લાંબી લાઇનો લાગી છે. જેના કારણે આખા શહેરમાં ટ્રાફિકની સ્થિતી વણસી છે

મસીહ અલીનેજાદ નામની ઈરાની પત્રકાર અને કાર્યકર્તાએ સહરા કરીમીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સહરા થોડા સમય માટે પોતાનો માસ્ક હટાવતી જોવા મળી રહી છે. વીડિયો સાથે મસીહે કરીમીને ટાંકીને ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે તાલિબાનની એન્ટ્રી શહેરમાં થઇ ચુકી છે. અમે બધા ભાગી રહ્યા છીએ.

ટ્વિટમાં આગળ લખવામાં આવ્યું છે કે આ કોઈ હોરર ફિલ્મનો દ્રશ્ય નથી. આ તાલિબાનની વાસ્તવિકતા છે. ગયા અઠવાડિયે જ કુલમાં એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા દોડી રહી છે. તે જોઈને દુ:ખ થાય છે કે દુનિયાભરનાં લોકો કોઇ મદદ કરી રહ્યા નથી.

(12:00 am IST)