Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

આસામ અને મિઝોરમ વચ્ચે ફરી તણાવ વધ્યો : સ્કૂલમાં બૉમ્બ બ્લાસ્ટ થતા માહોલ ગરમાયો

આસામના હૈલાકાંડી જિલ્લાના ગુટગુટી વિસ્તારમાં બોર્ડર પરની શાળામાં બોમ્બ વિસ્ફોટ બાદ તણાવ વધ્યો

આસામ અને મિઝોરમ વચ્ચેની સરહદ પર તણાવ ઓછો થઇ રહ્યો હતો કે બોર્ડર પાસેની એક સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ બાદ બંને રાજ્યો વચ્ચે તણાવ ફરી વધવા લાગ્યો છે. સ્કૂલમાં વિસ્ફોટની આ ઘટના આસામના હૈલાકાંડી જિલ્લાના ગુટગુટી વિસ્તારમાં બની હતી. બોમ્બ વિસ્ફોટની આ ઘટનામાં જાનહાનિ કે જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી, પરંતુ આ ઘટના બાદ બંને રાજ્યો વચ્ચે તણાવ ફરી વધતો જણાય છે.

મળતી માહિતી મુજબ ગુટગુટી વિસ્તારમાં પકુઆ પૂંજી લોઅર પ્રાથમિક શાળામાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જો કે આ વિસ્ફોટ લોવર ઇન્ટેન્સિટી એક્સપ્લોઝનના કારણે થયો હતો. આ વિસ્ફોટમાં શાળાની એક દીવાલને આંશિક નુકસાન થયું છે. અહેવાલો અનુસાર જે શાળામાં વિસ્ફોટ થયો તે આસામ અને મિઝોરમની બોર્ડર પર સ્થિત છે. તે કોરોનાને કારણે બંધ હતી અને રાત દરમિયાન આ શાળાની આસપાસ કોઈ હાજર નહોતું.

હૈલાકાંડી પોલીસ અધિક્ષક ગૌરવ ઉપાધ્યાયે ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે વિસ્ફોટમાં શાળાની એક દીવાલને નુકસાન થયું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એસપીએ જણાવ્યું કે અમે સમગ્ર સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ઉલ્લખનીય છે કે આસામ-મિઝોરમ સરહદ પર હિંસક અથડામણમાં આસામ પોલીસના છ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ ઘટના બાદ સરહદી વિસ્તારોના લોકોએ મિઝોરમ બોર્ડર બ્લોક કરી દીધી હતી. તાજેતરમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ પણ પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. 9 ઓગસ્ટથી આસામ સરહદ પર મિઝોરમ માટે ટ્રકોની અવરજવર શરૂ થઈ હતી.

(12:00 am IST)