Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રાજકોટ લોકસભા : પરસોત્તમભાઇની વાજતે - ગાજતે ઉમેદવારી

મોહનભાઇના ટેકામાં શહેર પ્રમુખ મુકેશ દોશી - ઉદય કાનગડ - નરેન્‍દ્રસિંહ ઝાલા - હરેશ હેરભાની ઉપસ્‍થિતિ :ડમીમાં મોહનભાઇ કુંડારીયા ફોર્મ ભર્યુ : વિજયભાઇ - ભરત બોઘરા - કુંવરજીભાઇ - ભાનુબેન ટેકેદારોમાં હાજર

 રાજકોટ તા. ૧૬ : લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ૯૪ બેઠકો માટે ઉમેદવારી પત્રો રજુ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે ૭ જુને મતદાન છે. તા. ૧૨ થી ૧૯ એપ્રિલ ઉમેદવારી પત્રો રજુ કરવાનો સમય છે. ત્‍યારે આજે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા અને ખેડૂત આગેવાન પરશોતમભાઇ રૂપાલા આજે બપોરે વિજય મુહુર્તમાં  રીટનીંગ ઓફીસર અને કલેકટર શ્રી પ્રભવ જોશી સમક્ષ તેમનું નામાંકન ભર્યુ હતુ.

નામાંકન દિવસે રાજકોટ કમળમય બનશે. ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્‍સાહ જોવા મળે છે. રાજકોટમાં સર્વત્ર કેસરીયો માહોલ છવાયો હતો.  આ નામાંકન પત્ર પૂર્વે સવારે ૯:૦૦ કલાકે રાજકોટના જાગનાથ મંદિર ખાતેથી રેલી-પદયાત્રા પ્રારંભ થઈ બહુમાળી ભવન ચોક સુધી  અનોખુ આયોજન કરવામાં આવેલ હોય, બહુમાળી ભવન ચોક ખાતે પરશોતમભાઈ રૂપાલાજીના સમર્થનમાં શહેર ભાજપ દ્વારા અદકેરૂ અભિવાદન કરવામાં આવશે જેમાં બહુમાળી ભવન ખાતે ડી.જે- બેન્‍ડની સુરાવલિઓ, નાસિક બેન્‍ડ, ઢોલ-નગારા, આતશબાજી, રાસગરબા મંડળી, પાર્ટીનો કેસરીયો ઘ્‍વજ થકી કેસરીયો માહોલ સર્જાયો હતો.  આ તકે ૧ હજારથી વધુ મહિલાઓ અને વિવિધ સમાજ-જ્ઞાતિના સમાજના આગેવાનો-પ્રતિનિધિઓ હજારોની સંખ્‍યામાં જોડાયા હતા. આ રેલી જાગનાથ મંદિરેથી પ્રારંભ થઈ બહુમાળી ભવન ચોક ખાતે સમાપન થઇ હતી.

બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને ફુલહાર કરી પરશોતમભાઈ રૂપાલા વિશાળ ભવિજય વિશ્‍વાસભ સંમેલનને સંબોધન કર્યુ હતુ.  આ તકે પ્રદેશ ભાજપ અગ્રણીઓએ સંબોધન કર્યુ હતુ.  આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના આગેવાનો, સાંસદો, ધારાસભ્‍યો, શહેરના હોદેદારો, તમામ વોર્ડ સંગઠનના કાર્યકર્તાઓ, વિવિધ સમાજના આગેવાનો, સામાજિક-શૈક્ષણીક-સેવાકીય, એનજીઓના આગેવાનો, શહેરીજનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

આ સભા બાદ રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોતમભાઇ રૂપાલાએ ે વિજય મુહુર્તમાં  રીટનીંગ ઓફીસર અને કલેકટર શ્રી પ્રભવ જોશી સમક્ષ તેમનું ઉમેદવારી પત્રક ભર્યુ હતુ. તેમના ટેકેદારો તરીકે પુર્વ મુખ્‍યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણી, કેબીનેટ મંત્રીઓ  ભાનુબેન બાબરીયા અને કુંવરજીભાઇ બાવળીયા તથા પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરત બોધરા સાથે રહ્યા હતા.

આ ઉપરાંત ડમી તરીકે સાસંદ મોહનભાઇ કુંડારીયાએ ફોર્મ રજુ કર્યુ હતુ. તેમના ટેકેદારો તરીકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્‍ય ઉદય કાનગડ, નરેન્‍દ્રસિંહ ઝાલા, હરેશ હેરભા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

આજે ભાજપ દ્વારા નીયમ મુજબ ઉમેદવારનું ફોર્મ ભરવામાં આવ્‍યુ હતુ. આ ઉમેદવારી સમયે ઉમેદવારો, ટેકેદારો હાજર રહ્યા હતા.

(11:17 am IST)