Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રૂપાલા મામલે હવે નિર્ણય કેન્‍દ્રિય નેતૃત્‍વ લેશે : સ્‍પીકર ઓમ બિરલાએ શું કહ્યું ?

મોડી રાતની બેઠક નિષ્‍ફળ ગયા બાદ મામલો દિલ્‍હીમાં

અમદાવાદ, તા.૧૬: ગુજરાતના રાજકોટમાં ક્ષત્રિય સમાજના શક્‍તિ પ્રદર્શન અને અન્‍ય રાજ્‍યોમાં ચળવળના પ્રસાર પછી, ભાજપ ડેમેજ કંટ્રોલમાં વ્‍યસ્‍ત છે. ૧૫મી એપ્રિલની રાત્રે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે અઢી કલાકથી વધુ સમય સુધી બેઠક કરી હતી, જોકે આ બેઠક અનિર્ણિત રહી હતી. સૂત્રોનું માનીએ તો ભાજપે આ સમગ્ર મામલો કેન્‍દ્રીય હાઈકમાન્‍ડ સમક્ષ મુકવાની ખાતરી આપી છે. મીટીંગમાં ક્ષત્રિય સમાજ સંઘર્ષ સમિતિએ પક્ષ રૂપાલાની ટીકીટ પાછી ખેંચે તેવી માંગણીનો પુનરોચ્‍ચાર કર્યો હતો.

રાજસ્‍થાનમાં ફેલાયેલા આંદોલનના ડર વચ્‍ચે લોકસભા સ્‍પીકર અને રાજસ્‍થાનના કોટાથી ભાજપના ઉમેદવાર ઓમ બિરલાએ પરષોત્તમ રૂપાલાના નિવેદનને અંગત ગણાવ્‍યું છે. આવું પહેલીવાર બન્‍યું છે જ્‍યારે ભાજપના કોઈ નેતાએ સોશિયલ મીડિયા પર રૂપાલાના મુદ્દે ટિપ્‍પણી કરી હોય. બિરલાએ લખ્‍યું છે કે તેમના લોકસભા ક્ષેત્રનો ક્ષત્રિય સમુદાય તેમની સાથે છે. ઓમ બિરલાએ પણ મોડી રાત્રે ફેસબુક પર આ પોસ્‍ટ કરી હતી.

ગુજરાતમાં રાજકીય રીતે ભાજપને કોઈ નુકસાન નહીં થાય તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે, પરંતુ જો ક્ષત્રિય સમાજની નારાજગી ચાલુ રહેશે તો આ વિવાદની અસર પ?મિ ઉત્તર પ્રદેશની સાથે રાજસ્‍થાન, હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળી શકે છે. પાર્ટી આને લઈને ચિંતિત છે પરંતુ જો તે રૂપાલાની ટિકિટ કાપશે તો પટેલો નારાજ થવાની આશંકા છે.

(11:17 am IST)