Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

વરુણ ગાંધીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીના આમંત્રણને ફગાવી દીધું

દરેક બાબતો અને વિષયોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર શેર કરવું યોગ્ય નથીઃ વરુણ ગાંધી

નવી દિલ્હી : ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપવાનું આમંત્રણ માટે સ્પષ્ટ ના કહી દીધી છે . ઓક્સફર્ડ યુનિવર્સિટીને લખેલા જવાબમાં તેણે કહ્યું છે કે દેશની આંતરિક બાબતો અને વિષયોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર શેર કરવું યોગ્ય નથી. વરુણ ગાંધીને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સાચા માર્ગ પર છે કે નહીં' વિષય પર આયોજિત ચર્ચામાં ભાગ લેવા વિનંતી કરવામાં આવી હતી.

વરુણે કહ્યું છે કે દરેક જીવંત લોકશાહી તેના નાગરિકોને મુદ્દાઓ સાથે જોડાવા માટે સ્વતંત્રતા અને તક આપે છે. પરંતુ આંતરરાષ્ટ્રિય મંચ પર સ્થાનિક પડકારોનો સામનો કરવાની કોઈ ક્ષમતા કે પ્રામાણિકતા જણાતી નથી અને આ પ્રકારનું પગલું શરમજનક કૃત્ય હશે. તેમણે કહ્યું કે વિદેશની ધરતી પર દેશ વિશે વાત કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે ભારત વિકાસ અને સર્વસમાવેશકતાના સાચા માર્ગ પર છે.

એક સૂત્રએ જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવનાર વરુણે આમંત્રણ નકારી કાઢ્યું હતું કારણ કે ઓક્સફર્ડ યુનિયન ઈચ્છે છે કે તે પ્રસ્તાવની વિરુદ્ધ બોલે કે 'આ ગૃહ માને છે કે મોદીનું ભારત સાચા માર્ગ પર છે'. વાસ્તવમાં, આ આમંત્રણ યોગાનુયોગ એવા સમયે આવ્યું છે જ્યારે તેમના પિતરાઈ ભાઈ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની લંડન મુલાકાત દરમિયાન કરેલી તાજેતરની ટિપ્પણીઓને લઈને ચર્ચા ગરમ છે.

(12:40 am IST)